ચૂંટણી પંચની નિમણૂકની કમિટીમાંથી ચીફ જસ્ટિસ બાકાત થયા, મંત્રી ઉમેરાયા

રાજ્યસભામાં મંગળવારે મુખ્ય ચૂંટણી પંચ (સીઈસી) અને ચૂંટણી પંચો (ઈસી)ની નિમણૂક અને અન્ય સેવાનિયમ અંગેનું વિધેયક પસાર કરાયું હતું. વિધેયકમાં સીઈસી અને ઈસીની 3 સભ્યની બનેલી નિયુક્તિ સમિટિમાં મુખ્ય ન્યાયમૂર્તિને બદલે કૅબિનેટ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિયુક્તિ માટે પ્રથમ વાર કૅબિનેટ સચિવની અધ્યક્ષતામાં 3 સભ્યની તપાસ સમિતિ રચાશે, તેમ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું.

નિયુક્તિ સમિતિમાં મુખ્ય ન્યાયમૂર્તિનો સમાવેશ ન કરવાની વાતને વિપક્ષે અયોગ્ય ગણાવી હતી. કૉંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર સ્વતંત્ર ચૂંટણી પંચ નથી ઇચ્છતી. ચૂંટણી પંચ પર કબજો કરીને તેને જેબી સંસ્થા બનાવવા માટે સરકાર વિધેયક લાવવાની કવાયત કરી છે.

સુરજેવાલાએ સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ વાંચવાનું શરૂ કર્યું ત્યારે સભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમને અટકાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું હતું કે સંસદ કાયદો બનાવનારી સંસ્થા છે અને તમે (સુરજેવાલા) પણ તેના સભ્ય છો. જો કે એ પછી વિરોધ પક્ષના સભ્યો દ્વારા વિરોધ યથાવત રહ્યો હતો.

માર્ચમાં સુપ્રીમ કોર્ટની પીઠે મુખ્ય ચૂંટણી પંચ અને ચૂંટણી પંચોની નિયુક્તિ માટે વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સમિતિએ આદેશ આપ્યા હતા. કોર્ટે આ આદેશને સંસદમાં ફેરફાર કરવાની અનુમતી આપી હતી.

ઑગસ્ટમાં સરકારે સુધારા વિધેયક રજૂ કર્યું હતું, જેમાં નિયુક્તિ સમતિમાં મુખ્ય ન્યાયમૂર્તિને બદલે મુખ્યમંત્રી વતીથી નામાંકિત કૅબિનેટ મંત્રીને મૂકવા પ્રસ્તાવ મુકાયો હતો. સીઈસી ઈસીનું વેતન સુપ્રીમ કોર્ટના જજ કરતાં ઘટાડીને હવે કૅબિનેટ સચિવના વેતન જેટલું કરી દેવાયું.

વિપક્ષે આરોપ મૂક્યો છે કે 3 સભ્યની નિયુક્તિ સમિતિમાં વડા પ્રધાન અને કૅબિનેટ મંત્રી હોવાને કારણે સરકાર પાસે હંમેશાં બહુમત રહેશે. સીઈસીનો દરજ્જો હવે સુપ્રીમ કોર્ટના જજ કરતાં ઘટાડીને કૅબિનેટ સ્તરનો કરવાથી તેઓ ઉચ્ચ અધિકારીઓને બોલાવી નહીં શકે.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નવી ન્યાયસંહિતાનાં ત્રણેય વિધેયકના નવા ડ્રાફ્ટ રજૂ કર્યા હતા. ભારતીય ન્યાયસંહિતા વિધેયક, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિધેયકમાં સંસદની સ્થાયી સમિતિની ભલામણો સમાવાઈ છે. એ 125 વર્ષ જૂના આઇપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટનું સ્થાન લેશે. નવા કાયદા અંગે 14 ડિસેમ્બરે ચર્ચા અનમે 15મીએ મતદાન થશે.