કોલકતા, લોક્સભાની ચૂંટણીના પહેલા તબક્કાના માત્ર ૮ દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ વખતે બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશન હેઠળના બોનહાર્ટ ગ્રામ પંચાયતમાં ૩ બકેટ બોમ્બ મળી આવ્યા હતા.
લોક્સભા ચૂંટણી પહેલા પશ્ર્ચિમ બંગાળમાં બોમ્બ મળી આવતા તણાવ વધી ગયો છે. જોકે, બીરભૂમ અને બોલપુરમાં ચૂંટણી ચોથા તબક્કામાં એટલે કે ૧૨ મે ૨૦૨૪ના રોજ છે. તેવામાં મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીરભૂમના રામપુરહાટ પોલીસ સ્ટેશનની પોલીસે ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ દરોડો પાડીને બોમ્બ કબજે કર્યા હતા. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.સીઆઇડીની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવી છે. પોલીસના અંદાજ મુજબ ત્રણ ડોલમાં લગભગ ત્રીસ બોમ્બ હતા, જો કે, રામપુરહાટ પોલીસ સ્ટેશનની પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ કયા હેતુથી ત્યાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.
ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ મારગ્રામ પોલીસ સ્ટેશનની પોલીસે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રામપુરહાટ-વિષ્ણુપુર રોડ પર બસવા બબલુની પાસે દેશી બનાવટની પિસ્તોલ અને ગોળીઓ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા યુવકનું નામ નબીરૂલ ખાન છે. મારગ્રામ પોલીસ સ્ટેશનની પોલીસે દરોડો પાડીને તેની પાસેથી દેશી બનાવટની પાઇપ ગન અને ગોળીઓ મળી આવી હતી. પરંતુ વોટ પહેલા તેને પિસ્તોલ કેવી રીતે મળી? તે ક્યાંથી આવી તે દિશામાં મારગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે.