ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં જેયુઆઈએફના ચીફ મૌલાના ફઝલ-ઉર-રહેમાનના કાફલા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો

ઈસ્લામાબાદ,પાકિસ્તાનની રાજનીતિ સંગઠન જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના પ્રમુખ મૌલાના ફઝલ-ઉર-રહેમાનના કાફલા પર રવિવારે સાંજે ખૈબરપખ્તૂનખ્વામાં હુમલો થયો હતો. આ અંગેની પુષ્ટિ પણ સંગઠનના પ્રવક્તાએ કરી હતી. જેયુઆઈએફના પ્રમુખ પોતાના કાફલા સાથે ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.

આ હુમલા બાદ ફઝલ-ઉર-રહેમાનની સુરક્ષામાં હાજર સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, તેમના પ્રમુખ સલામત છે અને તેઓને કોઈ ઈજા નથી થઈ. હુમલા દરમિયાન મૌલાનાની કાર ઈન્ટરચેંજ દરમિયાન પેટ્રોલ ભરાવા માટે રોકાઈ હતી.

જેયુઆઈ-એફના પ્રમુખ ફઝલ-ઉર-રહેમાને પોતાની સુરક્ષાને લઈ ઘણીવાર ચિંતિત જણાયા હતા. તેઓએ ઘણા સ્થળો પર સુરક્ષા સ્થિતિને લીધે મતદાનના આયોજન પર શંકા વ્યક્ત કરી હતી. પાંચ ડિસેમ્બરે ઈસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ફઝલ-ઉર-રહેમાને સલામતીને લઈ ભારે ચિંતા અંગે રજૂઆત પણ કરી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં ફઝલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ચૂંટણી પ્રચારમાં પાર્ટીના કાર્યકરો પર હુમલો થશે તો તે પાકિસ્તાનના મુખ્ય જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા અને મુખ્ય ચૂંટણી પંચ સિકંદર સુલ્તાન રાજાને જવાબદાર ઠેરવીશ.

જેયુઆઈ-એફના સિનિયર નેતા હાફિઝ હમદુલ્લા સપ્ટેમ્બરમાં બલુચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય ૧૦ લોકો ઘાયલ થયા હતા. જ્યારે જુલાઈમાં ખાર પાર્ટીના કાર્યર્ક્તા સંમેલનને ટાર્ગેટ કરી કરાયેલા આત્મઘાતી વિસ્ફોટમાં આશરે ૪૦ કાર્યકરોનાં મોત થયા હતા. પાકિસ્તાનમાં ગત વર્ષે આતંકવાદી ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જે વર્ષ-૨૦૧૪ બાદથી સતત વધારો નોંધાયો છે.