ચૂંટણીના સમયે જ રાજકોટ સહિત રાજયના ૪.૧૭ લાખ રેશનકાર્ડ હોલ્ડરોને બાજરીનો જથ્થો નહીં મળતા દેકારો

રાજકોટ લોક્સભાની ચૂંટણીના સમયે જ રાજકોટ સહિત રાજયના ૪.૧૭ લાખ રેશનકાર્ડ હોલ્ડરોને ચાલુ માસનો બાજરીનો જથ્થો નહીં મળતા દેકારો બોલી જવા પામેલ છે.માર્ચ માસ પૂરો થવાના આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે તેમ છતા રાજયની રેશનીંગની અનેક દુકાનોમાં ખાંડ, ચણા, તુવેરદાળનો જથ્થો પણ પહોંચી શકેલ નથી. રેશનીંગનો માલ નહીં મળતાના કારણે ગરીબોની હાલત કફોડી બની જવા પામી છે.

રેશનીંગનો માલ નહીં ફાળવાતા સસ્તા અનાજની દુકાનો પર દુકાન માલીકો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. આ બાબતે ગુજરાત એફ.પી.એસ. એસો. દ્વારા રજૂઆતો કરવા છતા પુરવઠા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેના પગલે હવે ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરવામાં આવી છે.

અહીં એ ઉલ્લેખનીય છેકે, ઉચ્ચ કક્ષાએ પહોંચેલી ફરીયાદો બાદ હવે રહી રહીને બાજરીના બદલે ઘઉં આપવાનો હુકમ કરવામાં આવેલ છે. પરંતુ ચાલુ માસ પૂર્ણ થવાના આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. આ ઘઉંનો જથ્થો પણ રેશનીંગની દુકાનો પર પહોંચશે કે કેમ? તે એક પ્રશ્ર્ન છે. રાજય સરકાર દ્વારા માર્ચ માસના વિતરણની મુદ્દત લંબાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.