ભરૂચ, ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલની ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધીની લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!
એક તરફ કોંગ્રેસના નારાજ નેતાઓએ કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી ન કરવાને લઈ મોરચો માંડ્યો છે તો બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં નેતાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્ર્વર હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાનો ૨૭ ફેબ્રુઆરીએ લખેલો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને “સમર્થન પત્ર”તરીકે લખાયો છે. પત્ર અનુસાર શરીફ કાનુગાએ ચૈતર વસાવાને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ખુલ્લું સમર્થન અને ટેકો જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર વાયરલ થયો છે. જોકે ત્યાર બાદ શરીફ મીડિયાથી અંતર બનાવી રહયા છે.
હાંસોટના મતદારો પર સારું વર્ચસ્વ ધરાવતા ગત ટર્મના અંકલેશ્ર્વર બેઠકના કોંગી ઉમેદવાર વિજયસિંહ પટેલ પણ ચૈતર વસાવા સાથે એક મંચ પર નજરે પડ્યા હતા. વિજયસિંહે સ્થાનિકોને સંબોધતા ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી.
એક તરફ મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક પર કોંગ્રેસને ઉમેદવારીઉ કરવાની તક ન મળવાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નિર્ણયને સ્વીકારી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા નેતાઓ પણ સામે આવ્યા છે. આ સ્થિતિમાં ભરૂચ કોંગ્રેસ બે અલગ -અલગ વિચારધારામાં વહેંચાઈ હોય તેમ લાગી રહ્યું છે. એક દિવસ અગાઉ કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથે કોંગ્રેસના સિમ્બોલ હેઠળ ઉમેદવારી ન કરાય તો આશ્ર્ચર્યનજક પરિણામનો સામનો કરવાની ચીમકી પણ આપી છે અને મુમતાઝ પટેલે દિલ્લીમાં ધામા નાખી નિર્ણયની ફેરવિચારણા માટે જોર લગાવ્યું છે ત્યારે આ મહેનત સામે કેટલાક અગ્રણીઓ આમ આદમી પાર્ટીને ટિકિટ મળવાના સમર્થનમાં ચૈતર વસાવાને ટેકો જાહેર કરતા બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.