ચૂંટણી માટે રિવાબા જાડેજાએ ફોર્મ ભર્યુ, પતિ રવિન્દ્ર જાડેજા અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યાં હાજર

  • રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની રિવાબાના સમર્થન માટે કરી અપીલ

જામનગર,

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં જામનગર ઉત્તરના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ પણ સામેલ છે, જેને લઈને રિવાબાએ આજે ૭૮ વિધાનસભા બેઠક પરથી પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પૂનમ માડમ, રિવાબાના પતિ રવિન્દ્રસિંહ જાડેજા અને હકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે. અહીં રિવાબાના નણંદ નયનાબા જાડેજા પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીમાં નણંદ અને ભાભી સામ-સામે આવી ગયા છે.

ઉલ્લેખનિય છે કે, આ બેઠક પરથી હકુભા જાડેજાની ટિકિટ કાપી રિવાબાને ટિકિટ અપાઈ છે. જોકે ટિકિટ કપાયા બાદ હકુભા જાડેજાને નારાજ થયા હતા અને તેમને મનાવવા માટે તેમને જામનગરની ત્રણ બેઠકો જીતવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હકુભાને જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય બેઠકના ઈન્ચાર્જ બનાવાયા છે.તાજેતરમાં જ રિવાબાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. રિવાબાએ જણાવ્યું હતું કે, હું બહેન, દીકરી, યુવાનો, ગરીબો સહિત છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચી શકુ અને તેઓની સેવા કરી શકુ તે માટે જ રાજકીય ક્ષેત્રે આવી છું. હું ભાજપના એક જ મંત્ર વિકાસના મુદ્દા સાથે લોકો પાસે જઈશ.

આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ક્રિકેટ રવિન્દ્ર જાડેજા પણ જોવા મળશે. દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ કહે છે કે, જય માતાજી, હું છું રવિન્દ્ર જાડેજા… મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટપ્રેમીઓ આપ સૌ તે જાણો છો કે ચૂંટણી આવી ગઈ છે અને ટી ૨૦ મેચની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપના નેતાઓએ મારી પત્ની રિવાબા પર ઉમેદવારીનો કળશ આપ સૌ ભરોસે ઢોળ્યો છે. તો તેઓ ૧૪ નવેમ્બરે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જામનગરની પ્રજાને, ભાજપને અને જડ્ડુના ચાહકોને શ્રેષ્ઠ વિજય માહોલ બનાવવાની જવાબદારી તમારા સૌના ઉપર છે. જય માતાજી.

રિવાબા જાડેજા મૂળ રાજકોટના રહેવાસી છે અને તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. રિવાબાએ મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. રિવાબાએ ૨૦૧૬માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ૩ વર્ષ પહેલા ભાજપમાં જોડાનાર રિવાબા જાડેજા અત્યારે ખુબ ચર્ચામાં રહ્યા છે.