ચૂંટણીમાં કૌટુંબિક લડાઈ : ભાઈ-બહેન,ભાભી અને નણંદથી લઈને પુત્રવધૂ અને સસરા,તો પૂર્વ પતિ-પત્ની વચ્ચે જંગ છે

દેશમાં હાલ ચૂંટણીનો માહોલ છે. દેશભરમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ અને બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કામાં લોકો 26 એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો માટે મતદાન કરશે.

બે તબક્કાની નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ 191 બેઠકો માટે સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અનેક બેઠકો પરના ચહેરાઓએ રાજકીય લડાઈ રસપ્રદ બનાવી છે. ઘણી જગ્યાએ પરિવારના સભ્યો સામસામે હોય છે.

નણંદ અને ભાભી વચ્ચેની રાજકીય સ્પર્ધા રસપ્રદ બની છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ગઈઙ-અજિત પવાર કેમ્પ)એ સુનેત્રા પવારને લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. સુનેત્રા સામે તેની ભાભી સુપ્રિયા સુલે ચૂંટણી લડી રહી છે. સુપ્રિયા શરદ પવારની પુત્રી છે. બારામતી લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ ગઈઙ (શરદ ચંદ્ર પવાર)ના સુપ્રિયા સુલે છે. 2019માં સુપ્રિયાએ બીજેપીના કંચન રાહુલ કૂલને હરાવ્યા હતા. 

બિષ્ણુપુરથી ભાજપના વર્તમાન સાંસદ સૌમિત્ર ખાન ફરી ચૂંટણી મેદાનમાં છે. તૃણમૂલ કોંગ્રેસે તેમની પૂર્વ પત્ની સુજાતા મંડલને ટિકિટ આપીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. ગત લોકસભા ચૂંટણીમાં સૌમિત્ર ખાને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર શ્યામલ સંત્રાને હરાવ્યા હતા. 

હરિયાણાની હિસાર બેઠક પર ચૌટાલા પરિવાર વચ્ચે મુકાબલો થવાની આશા છે. ભાજપે અહીં ઓ.પી ચૌટાલાના પુત્ર રણજીત ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે. રંજીત હરિયાણા સરકારમાં સ્વતંત્ર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમને હિસાર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ સુનૈના ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે.

સુનૈના આઈએનએલડીની મહિલા પાંખની મુખ્ય મહાસચિવ છે. રણજીત ચૌટાલા સુનૈના ચૌટાલાના કાકા અને સસરા છે. જેજેપી એટલે કે જનનાયક જનતા પાર્ટી પણ ઓમ પ્રકાશ ચૌટાલાની બીજી વહુ નૈના ચૌટાલાને હિસાર સીટ પરથી ઉતારવાની તૈયારી કરી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની માતા નૈના બધરા ચૌટાલા સીટથી ધારાસભ્ય છે. 

આંધ્રપ્રદેશની કડપા લોકસભા સીટ પર પરિવારના સભ્યો વચ્ચે ટક્કર થશે. કોંગ્રેસે વાયએસ શર્મિલાને તેમના પરિવારના ગઢ કડપા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. શર્મિલા આંધ્ર પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ છે. તે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીની પુત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીની બહેન છે.

શર્મિલા આ ચૂંટણીમાં તેના પિતરાઈ ભાઈ વાઈએસ અવિનાશ રેડ્ડી સામે ચૂંટણી લડશે. YSR કોંગ્રેસે અવિનાશ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.અવિનાશ રેડ્ડીએ 2019થી આ સીટ જીતી હતી. વાયએસઆરમાંથી ચૂંટણી લડી રહેલા અવિનાશે ટીડીપીના આદિ નારાયણ રેડ્ડીને હરાવ્યા હતા.