- જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વળતર સહાય રકમનો શિક્ષકના પિતાને ચેક આપવામાં આવ્યો.
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ખેડા જીલ્લામાં સમાવિષ્ટ 119-ઠાસરા વિધાનસભા મતવિભાગમાં મતદાન મથક પર તા. 27/03/2024ના રોજ યોજાયેલ પોલીંગ સ્ટાફની તાલીમ દરમિયાન મૃત્યુ પામેલ પીનાકીન ભાઈલાલભાઈ મેકવાનના પરિવારને ભારતીય ચૂંટણી પંચ દ્વારા રૂ. 15 લાખ આપવામાં આવી છે. જે અન્વયે આજરોજ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પીનાકીન મેકવાનના પિતા ભાઈલાલભાઈ ભુદરભાઈ મેકવાનને વળતર સહાય રકમનો એકાઉન્ટ પેઈ ચેક આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે મૃતક પિનાકીનભાઈના સદગત આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને મૃતકના પરિવારજનોને કોઈ પણ પ્રકારની સહાય માટે નિસંકોચ સંપર્ક કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે, પીનાકીન ભાઈલાલભાઈ મેકવાનની 119-ઠાસરા વિધાનસભા મતવિભાગમાં પોલીંગ ઓફીસર-1 તરીકે નિમણૂક થયેલ હતી. તા. 27/03/2024ના રોજ બપોરે 02.00 થી 05.00 કલાક દરમિયાન યોજાયેલ તાલીમમાં તાલીમ શરૂ થાય તે પહેલા જ પીનાકીન ભાઈલાલભાઈ મેકવાન ટ્રેનિંગ સેન્ટરના રૂમ નં-2માં ઢળી પડતા હાજર સ્ટાફ દ્વારા ઈઙછ આપવા અંગે પ્રયત્નો કરેલ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને સરકારી દવાખાના-ઠાસરા ખાતે લઈ જવામાં આવેલા હતા, જ્યાં હાજર તબીબી અધિકારી દ્વારા તપાસ કરી તેઓને મૃત જાહેર કર્યા હતા.
આમ, સ્વ. પીનાકીન ભાઈલાલભાઈ મેકવાનનું ચૂંટણી ફરજ દરમિયાન અવસાન થતા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ખેડાની કચેરી દ્વારા મૃતકના વારસદારોને ઉચ્ચક વળતર માટે કરેલ દરખાસ્ત કરવામાં આવી હતી. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના તાલીમ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર સ્વ. પીનાકીન ભાઈલાલભાઈ મેકવાન, પોલીંગ ઓફીસર 1ના કાયદેસરના વારસદાર એવા તેમના પિતા ભાઈલાલભાઈ ભુદરભાઈ મેકવાનને રૂ.15,00,000/-(અંકે રૂપીયા પંદર લાખ પુરા)નું ઉચ્ચક વળતર (Ex-Gratia Compensation) ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, નાયબ ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ અને મૃતકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.