ચૂંટણી કમિશનર એપોઇન્ટમેન્ટ એક્ટ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.તારીખ ૨૧મી માર્ચે નક્કી કરવામાં આવી છે.

નવીદિલ્હી, ચૂંટણી કમિશનર એપોઇન્ટમેન્ટ એક્ટ ૨૦૨૩ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ ૨૧ માર્ચે સુનાવણી કરશે. આ અરજી ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાંથી ચીફ જસ્ટિસને હટાવવાના વિરોધમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં ચીફ જસ્ટિસને ફરીથી પેનલમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને નવા કાયદા હેઠળ બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત અરજી દાખલ કરવાની પણ મંજૂરી આપી છે. આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ હવે આ અરજી ૨૧ માર્ચે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશાના સમાવેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજી બિન-સરકારી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં એડીઆરએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ, ૨૦૨૩ની કલમ ૭ની માન્યતાને પડકારી છે અને તેના અમલીકરણ પર રોક લગાવવાની માંગ કરી છે. આ કલમ હેઠળ મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ ઉપરાંત બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે.

આ સુનાવણી મહત્વપૂર્ણ બની છે કારણ કે ભારતીય વહીવટી સેવાના ભૂતપૂર્વ અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુને ગુરુવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમની પસંદગી કરી હતી. ૧૪ ફેબ્રુઆરીએ અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયલના અચાનક રાજીનામાને પગલે બે જગ્યાઓ ખાલી થઈ હતી. નવા કાયદા હેઠળ, પસંદગી સમિતિની અધ્યક્ષતા વડા પ્રધાન કરે છે અને તેના સભ્યો વિપક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા નામાંક્તિ કેન્દ્રીય પ્રધાન હોય છે.