- વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષય.
ગાંધીનગર,
૧પમી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોક્સભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાંઆવ્યું છે. લોક્સભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની ૧૫મી વિધાનસભા એ યુવાશક્તિ તેમજ અનુભવનું અનોખો સુમેળ છે. રાજ્ય વિધાનસભામાં ૮૨ જેટલા નવા ચૂંટાયેલા સભ્યો છે અને ૧૫ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે કે જેમાંથી ૮ મહિલાઓ પહેલી વાર સભ્ય બની છે. તે ગુજરાત માટે ગૌરવની વાત છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શ્રી બિરલાએ કહ્યુ હતું કે જનપ્રિતિનિધિ હોવાના નાતે તેમના પર મતદારોના પ્રશ્ર્નોના ઉકેલ લાવવાની મોટી જવાબદારી છે. તેથી વિધાનમંડળોએમાં ચર્ચા તથા સંવાદ થવા જોઇએ તથા ચર્ચાનું સ્તર ઉચ્ચતમ રહેવું જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્ય વિધાનસભાઓમાં ચર્ચા તેમજ સંવાદનું સ્તર જેટલું ઉંચુ હશે, તેટલા જ કાયદાઓ વધુ શ્રેષ્ઠ બનશે. ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે એ જરૂરી છે કે સભ્યોને નિયમો તેમજ પ્રક્રિયાઓની માહિતી હોય. તેથી ગૃહે ચર્ચા તથા સંવાદનું એક અસરકારક કેન્દ્ર બનવું જોઇએ કે જેથી આપણી લોકશાહી વધુ મજબૂત બને. પ્રિસાઇડિંગ ઑફિસરોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શ્રી બિરલાએ જણાવ્યુ હતું કે પ્રિસાઇડિંગ ઑફિસરની જવાબદારી છે કે તેઓ ગૃહની ગરિમા વધારવાની દિશામાં કાર્ય કરે. ગૃહોમાં ચર્ચાઓનું સ્તર નીચે જવું તથા ગૃહની ગરિમામાં ઘટાડો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય એ જ હોય છે કે જે ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતી ચર્ચા તથા સંવાદમાં ભાગ લે અને ગૃહની પ્રતિષ્ઠામાં વધારો કરે. સભ્યોએ તથ્યો સાથે પોતાની વાત મૂકવી જોઇએ, કારણ કે આધારવિહોણા આરાપો પર તર્ક-વિતર્ક લોકશાહીને નબળી કરે છે.
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યુ હતું કે ગૃહમાં વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તથા શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ, પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિધ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવાની પરમ્પરા સર્જવામાં આવી રહી છે, તે લોકશાહી માટે યોગ્ય નથી. ગૃહમાં ચર્ચા, વાદ-વિવાદ, અસંમતિ હોઈ શકે, પરંતુ ગૃહમાં ગતિરોધ ક્યારેય ન હોવો જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો તથા પ્રક્રિયાઓ અને અગાઉના વર્ષોના વાદ-વિવાદનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સભ્યો નિયમો, પ્રક્રિયાઓ તથા અગાઉના વર્ષોમાં થયેલ વાદ-વિવાદોથી જેટલા વધુ વાકેફ બનશે, તેટલા જ તેમના પ્રવચનો સમૃદ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સૂત્રોચ્ચાર કરવા તથા વિધાનસભાની કાર્યવાહીમાં વિધ્ન નાખવાથી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે.
‘ભારતને મળેલ જી-૨૦ની અધ્યક્ષતા નો ઉલ્લેખ કરી શ્રી બિરલાએ જણાવ્યું હતું કે આ ભારતની સમૃદ્ધ લોકશાહી પરમ્પરા તેમજ સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરવાનો એક ઐતિહાસિક પ્રસંગ છે. આ કાર્યશાળાના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના સભ્યોને ‘અસરકારક ધારાસભ્ય કેમ બનવું ?’, ‘સમિતિ પ્રણાલી તથા સંસદીય પ્રશ્ર્ન’, ‘બજેટ પ્રક્રિયા’, ‘સંસદીય પ્રક્રિયા’, ‘જી-૨૦માં ભારતની અધ્યક્ષતા ’, ‘ગૃહમાં તાકિદની જાહેર અગત્યની બાબતોને ઉઠાવવાના પ્રક્રિયાત્મક સાધનો’, ‘વિધાનસમંડળોનું કાર્યકરણ : શું કરવું અને શું ન કરવું ?’, ‘સંસદીય વિશેષાધિકાર તેમજ આચાર’ અને ‘લોકશાહીમાં બંધારણીય સંસ્થાઓનું મહત્વ’ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવનાર છે.
જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, ધારાસભ્ય તરીકેના સેવા દાયિત્વ, સૌભાગ્યની જનતા જનાર્દને આપેલી અમૂલ્ય તકથી રાષ્ટ્રહિત-સમાજહિત માટેની નૈતિક જવાબદારી સૌ નિભાવીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશીને શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આ કાર્યશાળા ૧પમી વિધાનસભાના પ્રત્યેક નવ નિર્વાચિત જનપ્રતિનિધિ માટે જાહેરજીવન અને પ્રજા સેવા સમર્પણનો સુવર્ણકાળ બનશે તેવો વિશ્ર્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત દેશના મોડેલ સ્ટેટ અને ગ્રોથ એન્જીનના રૂપમાં વિકસ્યુ છે. એટલું જ નહિ, રાજ્યના વિકાસની ચર્ચા થાય ત્યારે વિધાનગૃહ, ગૃહમાં બનેલા કાયદા કાનૂન તથા સુશાસન-ગુડ ગર્વનન્સને બળ આપનારા નિર્ણયોની ચર્ચા પણ અવશ્ય થાય છે. ભૂપેન્દ્ર પટેલે સંસદ ગૃહ અને વિધાનસભા ગૃહોને લોકશાહીના મંદિર સમાન ગણાવતાં જણાવ્યું કે, સર્વકલ્યાણના ભાવ સાથેના ક્તૃત્વ અને વકૃત્વથી આ મંદિરની પવિત્રતા, ગરિમા જાળવવી એ જનપ્રતિનિધિની ફરજ છે.