હાલોલ નગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમયે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 18 અને અપક્ષ ના 02 ઉમેદવારો બિનહરીફ બનતા નગર પાલિકાની સત્તા ભાજપે ચૂંટણી પહેલા જ કબ્જે કરી છે. ગઈ કાલે ફોર્મ ચકાસણી કરવાની કામગીરીમાં 5 ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવતા કુલ 5 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા. પછી 36 બેઠકો માટે ઉમેદવારી કરનાર 67 ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય કરવામાં આવ્યા હતા.
ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમય સુધી 20 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ભાજપે આપેલા 34 મેન્ડેડ માંથી 18 સભ્યો બિનહરીફ થયા તો 02 સભ્યો અપક્ષ ના પણ બિનહરીફ રહ્યા છે. 09 વોર્ડ માંથી ભાજપ આખા 03 વોર્ડ બિન હરીફ કરવામાં સફળ રહેતા નગરપાલિકાની સત્તા ભજપે ચૂંટણી પહેલા જ કબ્જે કરી લેતા હવે ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની રહી છે.
આજે બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચાયેલા ફોર્મની વિગત જોતા વોર્ડ 1 માં એક ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા છે. વોર્ડ 2 માં પાંચ ઉમેદવારી ફોર્મ, વોર્ડ 3 માં બે ઉમેદવારી ફોર્મ, વોર્ડ 4 માં એક ઉમેદવારી ફોર્મ, વોર્ડ 5 માં ત્રણ ઉમેદવારી ફોર્મ, વોર્ડ 6 માં ત્રણ ઉમેદવારી ફોર્મ, વોર્ડ 7 માં એક ઉમેદવારી ફોર્મ, વોર્ડ 8 માં બે ઉમેદવારી ફોર્મ અને વોર્ડ 9 માં બે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા ભજપે સત્તા કબ્જે કરી છે.
હાલોલ નગરપાલિકામાં લઘુમતી મતદારોની વસ્તી ધરાવતા વોર્ડ 3 અને 5 માં ભાજપે માત્ર એક એક હિન્દુ ઉમેદવારને જ મેન્ડેટ આપ્યો હતો. વોર્ડ 3 માંથી જીતુભાઇ રાઠોડ અને વોર્ડ 5 માં કોકિલાબેન સોલંકીના નામ ઉપર ભાજપે મોહર મારી હતી. આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે અંતિમ સમયમાં ભાજપે આ બંને વોર્ડમાં કોંગ્રેસના ચાર કાર્યકરો અને ચાલુ ચૂંટણીમાં કોંગ્રેસ કે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવે તેવા ઉમેદવારોને મેન્ડેટ આપી ભાજપમાંથી ઉમેદવારી કરાવી દેતા આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બની ગયો છે.
વોર્ડ 3માં જીતુભાઇ રાઠોડની જીત નિશ્ચિત કરવા માટે અહીં કોંગ્રેસના સલીમ સરજોનને ભાજપે મેન્ડેટ આપી સૌને ચોંકાવી દીધા, તો વોર્ડ 5 માં કોકિલાબેનના નામની જાહેરાત પછી ભાજપમાંથી ઉમેદવારી માટે અરજી કરનાર તમામ નામો કાપી અહેસાન વાઘેલા, અજિજુલ દાઢી, અને આરેફા મકરાણીને મેન્ડેટ આપી દેતા અહીં ભાજપમાંથી દાવેદારી કરનાર એક ઉમેદવાર મકસુદ માલિકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેથી ચૂંટણી દરમ્યાન વોર્ડ 5માં ભારે રસાકસી જોવા મળશે. આ બંને વોર્ડમાં વર્ષોથી ભાજપનો એક પણ ઉમેદવાર જીત મેળવતો ન હતો, પરંતુ આ સમીકરણો પછી આ બંને વોર્ડમાંથી ભાજપ 5 સભ્યો જીતાડવા સફળ રહે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.