ચોરીની ઘટના CCTVમાં કેદ:મહેસાણામાં દીકરીના લગ્ન દરમિયાન પિતા પાણી પીવા ગયા અને ટેણીયો ૧.૫૦ લાખ રોકડ ભરેલું પર્સ ઉઠાવી રફુચક્કર

મહેસાણા,

મહેસાણા શહેરમાં આવેલા વિશ્ર્વ કર્મા વાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ લોકોની નજર ચૂકવી પૈસા ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ત્યારે આ કેસમાં હાલમાં અજાણ્યા શખ્સ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં મનમોહન સોસાયટી રહેતા જયદીપ કુમાર વ્યાસની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓએ સમગ્ર પ્રસંગ શહેરમાં આવેલી વિશ્ર્વકર્મા વાડીમાં યોજવાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ મહેમાનો પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક અજાણ્યો ટેણીયો પણ લગ્નમાં સામેલ થયો હતો.

વિશ્ર્વકર્મા વાડીમાં યોજવામાં આવેલ લગ્ન પ્રસંગ દરમિયાન યુવતીના પિતાની પાસે બ્લુ કલરના પર્સમાં ૧.૫૦ લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે ૧૧ કલાકે લગ્નની વિધિઓ ચાલુ હતી એ દરમિયાન ફરિયાદીને તરસ લાગતા તેઓ મંડપની બાજુમાં પાણી પીતા હતા. એ દરમિયાન પોતાની પાસે પૈસા ભરેલ પર્સ બાજુની ખુરશીમાં મૂક્યું હતું, જે બાદમાં ત્યાં આગળ એક લાલ કલરના શર્ટ પેરી અજાણ્યો કોઈ ટેણીયાએ હોલમાં ઘુસી આવી ખુરસીમાં પડેલા પર્સને ઉઠાવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

સમગ્ર મામલે ફરિયાદીએ પર્સ ચોરી અંગે પરિવારને જાણ કરતા પરિવાર જનોએ આસપાસના વિસ્તારોમાં અને હોલમાં તપાસ કરી હતી અને CCTV ચેક કર્યા હતા. જેમાં કોઈ બાળક આ પર્સ ચોરી ફરાર થઇ ગયો હોવાનું જોવા મળ્યું હતું. જેથી સમગ્ર મામલે હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.