ચોમાસા પહેલાના જ વરસાદમાં મુંબઈ પાણી પાણી, ૨ દિવસમાં ૬ના મોત, ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી !

મુંબઇ, મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે, રાજધાની મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસમાં શહેરમાં વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં છ લોકોના મોત થયા છે. મુંબઈના ઘાટકોપરમાં વરસાદને કારણે ત્રણ માળના મકાનનો પહેલો માળ જમીનમાં ધસી ગયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે વિલે પાર્લેમાં બાલ્કની પડતાં બે લોકોના મોત થયા હતા. આ સિવાય ૨ અન્ય લોકોના મોતના સમાચાર છે.

રાજ્યના સીએમ એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે જળ ભરાવને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલી નવી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. તેના પર વિપક્ષી પાર્ટીઓએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચોમાસાની તૈયારી અંગેનો મુખ્યમંત્રીનો દાવો પહેલા વરસાદમાં જ નિષ્ફળ ગયો. તે જ સમયે, ભારે વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ છે. બદલાપુરથી અંબરનાથ વચ્ચે લોકલ ટ્રેનની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.અંબરનાથથી સીએસટી તરફ આવતી લોકલ ટ્રેન ચાલી રહી છે.

દરમિયાન, અંધેરી સબવે પાસે એક નાળામાંથી ફ્રીજ, કબાટ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. મ્સ્ઝ્રના અધિકારીઓએ ઉપરોક્ત બાબતની જાણકારી આપી હતી. કર્મચારીઓએ અંધેરી સબવેને બંધ કરી દીધો અને પંપની મદદથી એકઠા થયેલા પાણીને બહાર કાઢ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

મુંબઈની કોલાબા ઓબ્ઝર્વેટરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૮૬ મીમી વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી શિંદેએ પાણી ભરાવા જેવી સ્થિતિનો સામનો કરવા માટે મિલન સબવે પાસે બનેલી ભૂગર્ભ પાણીની ટાંકીના કામો વિશે અધિકારીઓ પાસેથી માહિતી લીધી છે. તેમણે કહ્યું કે આ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડના જણાવ્યા અનુસાર, શિંદે સરકારનો ચોમાસાની તૈયારીનો દાવો પ્રથમ વરસાદમાં જ ખોરવાઈ ગયો.