
- બુદ્ધા રાઈસ, જીઆર – 21 અને જીઆર – 13 જાતની ડાંગરનું પ્રાકૃતિક ખેતીથી વાવેતર.
- 3000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે પ્રાકૃતિક ખેડૂત.
નડિયાદ, ખેડા જીલ્લામાં આજે પ્રાકૃતિક કૃષિથી તમામ પ્રકારના ધાન્યો, ફળ-ફળાદી અને શાખભાજીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખેતીની મર્યાદાઓને જાણી આજે ખેડૂતો સામેથી જ મક્કમતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે 71 વર્ષીય પ્રાકૃતિક ખેડૂત અરૂણકુમાર શાહે ઉમરને અવરોધ ન ગણતા છેલ્લા 5 વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરીને જીલ્લાનાં યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ વર્ષે અરૂણકુમારે તેમના પીપળાતા ખાતે આવેલ 20 વિઘાના ખેતરમાં ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કર્યુ છે. જેમાં, તેમણે બુદ્ધા રાઈસ (કાલા નમક), જીઆર-21 અને જીઆર-13 જાતની ડાંગરનું પ્રાકૃતિક ખેતીથી વાવેતર કર્યુ છે. આ ધરૂવાડિયામાં ફક્ત દેશી ગાય આધારિત જીવામૃત અને ધનામૃતના ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુમાં, બુદ્ધા રાઈસની ખાસિયત છે કે તેમાં પોષક તત્વો વધુ હોય છે. નોંધનીય છે કે, અરૂણભાઈ શાહ ખેતીમાં ઘઉં, વિવિધ પ્રકારની ડાંગર (ચોખા), રાઈ, રાજગરો, બાજરી, ચણા જેવી ખેત પેદાશોનું વાવેતર કરે છે. જેનું મૂલ્યવર્ધન કરીને ડાઇરેક્ટ વેચાણ કરે છે, તથા વિવિધ ફળો તથા બાયો-ડાયવર્સિટી માટે ફૂડ ફોરેસ્ટ્રી જંગલ મોડેલ વિકસાવી રહ્યા છે. આ સાથે જ અરૂણભાઈ એક ફાર્મરફ્રેન્ડ તરીકે અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપે છે. તેઓએ અત્યાર સુધીમાં કુલ 3000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.