અમદાવાદ,ભરઉનાળે માવઠાનો માર સહન કર્યા બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. તેવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતના ખેડૂતોની ખેતીનું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે તેને લઈને સૌથી મોટું અનુમાન વ્યક્ત કર્યુ છે. સાથે જ આ વખતેનું ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ અનુમાન વ્યક્ત કરાયું છે.
ગુજરાતનો ખેડૂત છેલ્લા દોઢ મહિનાથી ભરઉનાળે માવઠાંનો માર સહન કરી રહ્યુ છે. આવી ભયંકર પરિસ્થિતિ વચ્ચે સચોટ અનુમાન કરનાર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસને લઈ જોરદાર અનુમાન વ્યક્ત કર્યુ છે. આ આગાહી સાંભળી ખેડૂતોના ચહેરા પર જે સ્મિત માવઠાંએ છીનવી લીધુ છે, તે સ્મિત પાછું આવી જશે. ગુજરાતનો ખેડૂત હરખામાં આવી જશે. બસ હવે થોડી જ ક્ષણોમાં તમારા ચોમાસાને લઈ થયેલા તમામ પ્રશ્ર્નોના જવાબો તમને મળશે. પરંતુ તે પહેલા ખાનગી હવામાન સંસ્થાના દાવાને જોઈએ તો તેનું કહેવું છે કે, ગુજરાતમાં ચોમાસું ખૂબ જ અનિયમિત રહેશે. જેને સાંભળી ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. પરંતુ આ ખાનગી હવામાન સંસ્થાના દાવાને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પડકાર્યો છે. પરેશ ગોસ્વામીના મતે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, ગુજરાતના ચોમાસા પર અલનીનોની કોઈ ખરાબ અસર નહીં થાય. સાથે અલનીનોની અસરને અન્ય બે સિસ્ટમ દબાવી દેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે ગુજરાતના ખેડૂતોને મે મહિનાના ત્રીજા અઠવાડિયાથી મોન્સૂનની પ્રિ એક્ટિવિટી જોવા મળી શકે છે. એટલે કે ખેડૂતોએ મે મહિનાથી જ વાવણીની તૈયારી ખેડૂતોએ કરી લેવી પડશે. જોકે, ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. કેમ કે, એમ તો ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં નૈૠત્યનું ચોમાસું બેસતું હોય છે. જે આ વખતે વહેલું બેસી શકે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યુ છે. સાથે જ આ વખતે વાવણી લાયક વરસાદ બે તબક્કામાં જોવા મળશે. એમ જોવા જઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ત્રણ તબક્કામાં વાવણી ખેડૂતો કરે છે. આ વખતે બે તબક્કામાં વાવણી ખેડૂતો કરી શકે છે.
જૂન મહિના બાદ જૂલાઈ મહિનાના ચોમાસાની વાત કરીઓ તો પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મેઘો જોરદાર મંડાઈ ગયો હશે. સમગ્ર ગુજરાતમાં જૂલાઈ મહિનામાં ચોમાસું જોરદાર ધડબડાટી બોલાવશે. જે પ્રમાણે ૨૦૨૨માં સમગ્ર ચોમાસા દરમિયાન મેઘો તોફાને ચડ્યો હતો, તે જ રીતે આ વખતે પણ જૂલાઈ મહિનામાં મેઘો હાથે નહીં જાલે તેવી રીતે ભૂક્કા કાઢી નાખશે.
પરેશ ગોસ્વામીના આ દાવાએ ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. કેમ કે, ભરઉનાળે ચોમાસા જેવો વરસાદ થતાં ખેડૂતોનો મોટા પ્રમાણમાં પાક નષ્ટ થઈ ગયો હતો. જો જૂલાઈમાં પણ આવો વરસાદ થયો તો ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ શકે છે. આ અનુમાન સાંભળી ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે.
ઓગસ્ટમાં વરસાદ ખેંચાવાની વાતને લઈને ખેડૂતોને ક્યારે વાવણી કરવી અને ક્યારે વાવણી ન કરવી તેને લઈને તે અસમંજસની સ્થિતિમાં છે. કેમ કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓના ખેડૂતોની ખેતી માત્ર ચોમાસાના વરસાદ પર જ આધારિત હોય છે. જ્યાં સિંચાઈની પણ વ્યવસ્થા નથી હોતી. ત્યાં જો ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતોએ વાવેતર કરી લીધુ અને ઓગસ્ટ મહિનામાં જો ચોમાસું ખેંચાયુ તો ખેડૂતોના મોંઘાદાટ બિયારણ પર, અગનજ્વાળા ઓક્તા આકાશ નીચે કરેલી જગતના તાતની મહેનત નિષ્ફળ જઈ શકે છે.
જૂન, જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર બાદ ચોમાસાની તીવ્રતા ધીમે ધીમે ઓછી થવાનુ અનુમાન વ્યક્ત કરાયુ છે. જોકે, વર્ષ ૨૦૨૨ના ચોમાસાએ વિવિધવત વિદાય ઓક્ટોબરમાં લઈ લીધી હતી. પરંતુ નવેમ્બર મહિના સુધી ચોમાસાના વાદળોએ ધડબડાટી બોલાવી હતી. જોકે, એકંદરે આ વખતેનું ચોમાસું સારું રહેવાની સંભાવના છે. એટલે આમ જોઈએ તો ગુજરાતમાં આ વખતેના ચોમાસામાં ભારે ઉતારચઢાવ અને ખેંચતાણવાળું જોવા મળશે. અલગ-અલગ મહિનાઓમાં ચોમાસું પોતાના રૂપ બદલતુ રહેશે. ક્યારે તોફાની સ્વરૂપ ધારણ કરશે, તો ક્યારેક રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તો ક્યારેક વાદળો ઓછા પણ વરસી શકે છે.