ચીનની સેનાના ફાઈટર પ્લેન તાઈવાનની બોર્ડર પાસે ફરતા, બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે કહ્યું કે ચીનના લશ્કરી ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજો તેમની સરહદની આસપાસ ફરતા હતા. તાઈવાનના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે ૧૮ ફાઈટર પ્લેન, આઠ યુદ્ધ જહાજ અને ચીની સેનાના બે અન્ય જહાજો રવિવારે સવારે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી તાઈવાન બોર્ડર પાસે રહ્યા. જેમાંથી ૧૫ એરક્રાટે પણ તાઈવાનની સરહદ પાર કરીને તાઈવાનની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું.

ચીનની ઘૂસણખોરીના જવાબમાં તાઈવાને પણ તેના ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજોને દરિયાકાંઠાની સરહદ પર તૈનાત કર્યા છે. આ ઉપરાંત મિસાઈલ સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચીનની સેનાએ તાજેતરના મહિનાઓમાં ઘણી વખત તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૦ પછી જ ચીન તેની ગ્રે ઝોન વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યું છે. આ અંતર્ગત ચીનના ફાઈટર પ્લેન અને યુદ્ધ જહાજો તાઈવાનની સીમા પાસે અવર જવર કરતા રહે છે.

ગયા અઠવાડિયે પણ ચીને તાઈવાનની સરહદમાં ઘૂસણખોરી કરી હતી, જે બાદ તાઈવાનના વિદેશ મંત્રાલયે ચીનની ટીકા કરી હતી અને તેના પર અન્ય દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય શાંતિનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ ચીનના વિમાનોએ પણ જાપાનની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. તાઈવાનનો આરોપ છે કે ચીન ઈસ્ટ ચાઈના સીમાં દાવપેચ કરીને યથાસ્થિતિ બદલવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. તાઈવાને કહ્યું કે ચીનની આક્રમક્તા સમગ્ર હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રની સુરક્ષા માટે મોટો ખતરો છે.