
ઉજજૈન,
ફિલ્મ કલાકાર સોનુ સૂદ લોકડાઉન અને કોરોનાના સમયગાળા દરમિયાન લોકોની વ્યાપક મદદ કરવાને કારણે ખુબ ચર્ચામાં રહ્યો હતો. દેશમાં ફરી એકવાર કોરોનાની લહેરનો ભય ફેલાવા લાગ્યો છે. આ દરમિયાન મયપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પહોંચેલા સોનુ સૂદે કહ્યું, કે જેમને પણ કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તેઓ તેનો સંપર્ક કરી શકે છે.
તેનો નંબર એનો એ જ છે, જેના દ્વારા લોકોએ પાછલા વર્ષોમાં અનેક લોકોએ મદદ મેળવી હતી. મહાકાલના દર્શન કરવા માટે સોનુ સૂદ ઈન્દોર એરપોર્ટ પર ઉતર્યો હતો.
ઈન્દોર પહોંચ્યા બાદ સોનુ સૂદે કહ્યું કે તે અહીંથી ઉજ્જૈન જશે અને મહાકાલના દર્શન કરશે. ત્યાર બાદ તાજેતરમાં નવા બનેલ મહાકાલ લોકની મુલાકાત પણ લેશે. ઈન્દોર એરપોર્ટ ખાતે મીડિયા સાથે વાત કરતા સોનુ સૂદે જણાવ્યું કે, જ્યારે તે નાનો હતો ત્યારે ઉનાળાના વેકેશનમાં ઈન્દોર આવતો હતો. તે ઈન્દોરની ૫૬ દુકાનો, પલાસિયા, લાલબાગ, સરાફા ચોપાટીથી સારી રીતે વાકેફ છે. તેણે કહ્યું કે જો તેને સમય મળશે તો તે આ સ્થળોની પણ ચોક્કસથી મુલાકાત લેઈને પોતાની જુની યાદોને તાજી કરશે. ઈન્દોર સ્વચ્છતાના મામલે સતત દેશનું સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે. સોનુ સૂદે પણ ઈન્દોરની સ્વચ્છતાના વખાણ કર્યા છે.
દેશમાં ફરી કોરોનાના વધતા કેસો અંગે સોનુ સુદને સવાલ કર્યો તો સોનુ સૂદે કહ્યું, ‘મારો નંબર એક જ છે, જેમને પણ જરૂર હોય તે મને ફોન કરી શકે છે.’ સોનુ સૂદે કોરોનાના સમયગાળા દરમિયાન અનેક લોકોની મદદ કરી હતી. સોનુ સુદે ભારતમાં જ્યારે કોરોના હાહાકાર મચાવી રહ્યો હતો તે સમય દરમિયાન એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો. જેના દ્વારા ઘણા લોકોએ સોનુ સુદનો સંપર્ક કર્યો હતો. સોનુ સૂદે પણ લોકોને અલગ-અલગ રીતે અનેક મદદ કરી હતી.
કોરોનાને લઈને ચીનમાંથી આવી રહેલા સમાચાર લોકોમાં ભય ફેલાવી રહ્યાં છે. ચીનમાં હાહાકાર મચાવી રહેલ કોરોનાએ દુનિયાભરના દેશની ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની સરકારો સક્રિય થઈ ગઈ છે. કોરોનાને લગતા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે. સ્થાનિક કક્ષાની હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સરકારે સૂચના આપી છે.