ચીન,પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર 44 પુલોનું ઉદઘાટન, લદાખમાં 7 પુલ સેવારત

ચીન સાથે ચાલી રહેલા ભૂમિ વિવાદની વચ્ચે ભારત સરકારે સરહદી વિસ્તારોમાં 44 પુલોનું ઉદઘાટન કર્યુ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ 44 પુલોનુ ઉદઘાટન કર્યુ હતું. જેમાં મોટાભાગના ચીન સાથે જોડાયેલી સરહદની વિસ્તોરો લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડમાં નિર્માણ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક પુલ પાકિસ્તાન સરહદ સાથે સંકળાયેલા પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં નિર્માણ કરવામાં આવ્યા છે.

રાજનાથ સિંહે એક ઓનલાઇન કાર્યક્રમમાં આ પુલોનું ઉદઘાટન કર્યુ હતું. આ પૈકી મોટાભાગના પુલ સરહદ પર મહત્વના રણનૈતિક વિસ્તારોમાં ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી સાત પુલ લદાખમાં છે, જ્યાં ભારત-ચીન વચ્ચે વિવાદ સર્જાયો છે.

ઉદઘાટન સમારોહમાં પાકિસ્તાન અને ચીન સાથે સંકળાયેલી સરહદ પર સ્થિતિ તરફ ઇશારો કરતા રક્ષા મંત્રીએ કહ્યુ કે, બધા જ ઉત્તર અને પૂર્વ સરહદ પરની પરિસ્થિતિથી વાકેફ છે. પહેલા પાકિસ્તાન અને હવે ચીન, એક મિશન હેઠળ સરહદ પર વિવાદ ઉભો કરાયો છે. લગભગ સાત હજાર કિમીની લાંબી સરહદ પર બંને દેશો સાથે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. આ પુલ જનતા અને સેના માટે ફાયદાકારક નીવડશે, તેમણે કોરોના કાળમાં પણ અટકાયા વગર પુલના કામને પૂર્ણ કરવા માટે બોર્ડર રોડ ઓગ્રેનાઇઝેશન(BRO)ના વખાણ કર્યા હતા.