સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા લેહ લદ્દાખમાં ( Leh Ladakh ) ભારતે સુરક્ષા વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. ચીન સાથે સરહદ વિવાદને પગલે, ભારત હવે કોઈ પણ પ્રકારે સુરક્ષા મુદ્દે બાંધછોડ કરવા ઈચ્છતુ નથી. ભારત સરકારે, લેહ લદ્દાખમાં નવા ચાર એરપોર્ટ બનાવવા મંજૂરી આપી છે. પૈગોગ ક્ષેત્રમાં ચીનના સૈન્ય જવાનોએ કરેલ ધૂસણખોરીનો પ્રયાસને ભારતીય સૈન્ય જવાનોએ નિષ્ફળ બનાવી દીધો હતો.
પૈગોગ ક્ષેત્ર પણ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોવાથી ચાર પૈકી એક એરપોર્ટ આ ક્ષેત્રમાં બનાવવામાં આવશે. બાકીના ત્રણ એરપોર્ટ, લેહ લદ્દાખના અન્ય ક્ષેત્રમા બનાવવામાં આવશે. તો સાથોસાથ એલએસી પાસે 36થી વધુ હેલીપેડ પણ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ લેહ લદ્દાખમાં એક જ એરપોર્ટ છે.
સૂત્રોને ટાંકીને મીડિયા રીપોર્ટમાં જણાવ્યાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા પ્રધાન રાજનાથસિંહના લદ્દાખના પ્રવાસ બાદ, આ મુદ્દે સરકારે મન બનાવી લીધુ હતુ. આ વિસ્તારમાં સૈન્યની તમામ જરૂરીયાત પૂરી કરવા માટે, એરપોર્ટ અને હેલિપેડ જરૂરી હોવાથી સરકારે ચાર નવા એરપોર્ટ મંજૂર કર્યા છે. જ્યારે ચીન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર 36થી વધુ હેલિપેડ બનાવાશે. જેના પગલે ભારતીય વાયુસેના અને સૈન્યદળ વધુ મજબૂત બની શકશે.
લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ, સ્થાનિક તંત્રે સુરક્ષા અને પ્રવાસન પ્રવૃતિના વિકાસ માટે કેટલાક સુચનો કર્યા હતા. લેહ લદ્દાખના સંસદસભ્ય જામયાંગ સેરિગ નામગ્યાલના મત અનુસાર, ભારતીય સૈન્ય, સરહદ ઉપર તમામ પ્રકારના પરીબળોનો સામનો કરીને, અડગ રીતે ચીનનો સામનો કરવા તત્પર છે. સરહદને અડીને જે હેલિપેડ બનાવવામાં આવનારા છે તે અમેરિકા પાસેથી મેળવાયેલા ચિનુક હેલિકોપ્ટર સરળતાથી ઉતરી શકે તે પ્રકારના બનાવાશે.