3 કલાકમાં 50 વખત ધ્રૂજી ધરતી, 126નાં મોત:ચીનના તિબેટ પ્રાંતમાં ભૂકંપથી તબાહી, 400 કિમી દૂર નેપાળ-બિહાર-બંગાળમાં અસર

ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપમાં 126 લોકોના મોત થયા હતા અને 188 લોકો ઘાયલ થયા હતા. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે (ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

એનસીએસે અહેવાલ આપ્યો છે કે પ્રથમ ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં વધુ બે ભૂકંપ આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, જેના કારણે મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે.

ધરતી ધ્રૂજી, ઈમારતો ધરાશાયી થઈ

તિબેટમાં આવેલા ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે પાડોશી નેપાળની રાજધાની કાઠમંડુ અને ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ભૂકંપ બાદ ખંડેરમાં વિખરાયેલાં મકાનો, તૂટેલી દીવાલો અને કાટમાળ જોવા મળે છે.

ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે (0105 GMT) નેપાળની સરહદ નજીક ડિંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી.

અસરગ્રસ્ત વિસ્તારમાં લેવલ-3 ઇમર્જન્સી જાહેર કરવામાં આવી

અહેવાલો અનુસાર, ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયા છે. તેમને બચાવવામાં આવી રહ્યા છે. ચીનના CCTV સમાચાર અનુસાર, ચીનની સ્ટેટ કાઉન્સિલે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ટાસ્કફોર્સ મોકલી છે અને લેવલ-3 ઈમર્જન્સી જાહેર કરી છે. લેવલ-3 ઇમર્જન્સી ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે અકસ્માત એટલો મોટો હતો કે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર તેની સાથે વ્યવહાર કરી શકતા નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તાત્કાલિક મદદ મોકલે છે.

અસર 400 કિમી દૂર સુધી અનુભવાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક અધિકારીઓ ભૂકંપના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે એની અસર 400 કિમી દૂર નેપાળની રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી.

બિહાર અને બંગાળમાં પણ ધરતી ધ્રૂજી

તિબેટમાં આવેલા ભૂકંપની અસર ભારત સુધી જોવા મળી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામની ધરતી પણ ધ્રૂજી હતી. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બિહારમાં લોકો તેમનાં ઘર અને એપાર્ટમેન્ટની બહાર જોવા મળ્યા હતા.