ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ:અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, ખાનગી હોસ્પિ.માં સારવાર હેઠળ; કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત

ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.

ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમણે તેમની લેબમાં સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું નથી. રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- કર્ણાટકમાં HMPVના બે કેસ મળી આવ્યા છે. બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વાઇરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

વાઇરસથી સંક્રમિત બે બાળકોની સ્થિતિ…

3 મહિનાની બાળકીને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેણીને બ્રોન્કોપ્યુનિમોનિયાને કારણે દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેણીને HMPV માટે સારવાર આપવામાં આવી હતી અને હવે તેને રજા આપી દેવામાં આવી છે. બીજો કેસ 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો હતો, જેને 3 જાન્યુઆરીના રોજ બ્રોન્કોપ્યુનિમોનિયાના કારણે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની HMPVની સારવાર ચાલી રહી છે અને હવે તેની તબિયતમાં પહેલાં કરતા સુધારો છે. આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને બાળકો અન્ય કોઈ દેશમાંથી પાછા ફર્યા નથી.

આ રીતે HMPV વાઇરસ ફેલાય છે

  • HMPV વાઇરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે.
  • આ ઉપરાંત, આ વાઇરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવાથી પણ તે ઝડપથી ફેલાય છે.
  • ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેનાં લક્ષણો દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે આ વાઇરસ હંમેશાં હાજર હોય છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે. લોકોમાં તે ઝડપી ફેલાય છે.
  • ઘરની બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરો, કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
  • સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો.
  • ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો.
  • ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, કારણ કે અહીં ચેપ ઝડપથી ફેલાય છે.

હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) શું છે

હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) એ એક વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય ​​છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં, HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

શું HMPV એ COVID-19 જેવો જ છે?

HMPV ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. વાઇરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે. જ્યારે HMPV અને SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાઇરસ) અલગ-અલગ વાઇરલ સાથે સંબંધિત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાઇરસ મુખ્યત્વે માનવ શ્વસનતંત્રને નિશાન બનાવે છે, જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોવિડ-19ની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાઇરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાઇરસની જેમ, HMPV પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.

HMPV સંક્રમણને કેવી રીતે અટકાવવો?

HMPVના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.