વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકોના મોતનો કારણ બનેલો જીવલેણ કોવિડ -19 મહામારી ફાટી નીકળ્યાનાં પાંચ વર્ષ પછી, ચીનમાં વધુ એક વાઇરસે કહેર મચાવ્યો છે. તેને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV કહેવામાં આવે છે. આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવાં લક્ષણો જોવા મળે છે. ચીનમાં HMPV વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મોટાભાગે બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં આવી રહ્યાં છે.
આનાથી કોવિડ-19 પછીના બીજા સ્વાસ્થ્ય સંકટની ગંભીર ચિંતા ઊભી થઈ છે, જેના કારણે પડોશી દેશોને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા મજબૂર કર્યા છે. ગયા મહિને ચીને ન્યુમોનિયા સહિત શિયાળાના રોગો માટે મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી હતી. ચીનના આરોગ્ય અધિકારીઓ હાલમાં HMPVને કોવિડ-19 વાઇરસની જેમ મહામારી માની રહ્યા નથી. ડ્રેગને ડિસેમ્બર 2024માં કહ્યું હતું કે તે આ રોગ સામે લડવા માટે પ્રોટોકોલ લગાવવા જઈ રહ્યો છે.
દાવો- ચીને ઈમર્જન્સી જાહેર કરી દીધી
ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તે શ્વાસોચ્છવાસની તકલીફો ધરાવતા ફલૂના દર્દીઓના કેસોની જાણ કરવા, ચકાસણી કરવા અને હેન્ડલ કરવા માટે લેબોરેટરીઓ માટે એક પ્રક્રિયા લાગુ કરશે. એક સત્તાવાર નિવેદન દર્શાવે છે કે 16 થી 22 ડિસેમ્બરના સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. SARS-CoV-2 (COVID-19) નામના હેન્ડલ પરથી X પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઈમર્જન્સી જાહેર કરી દીધી છે.
HMPV સિવાય, ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને કોવિડ-19 વાઇરસ સહિત અન્ય ઘણા વાઇરસ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. એક સોશિયલ મીડિયા હેન્ડલે એવો પણ અહેવાલ આપ્યો છે કે ચીનમાં બાળકોની હોસ્પિટલોમાં ન્યુમોનિયા અને ‘વ્હાઇટ લંગ’ના કેસોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. ચીનના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જણાવ્યું હતું કે તે દેશમાં શ્વસન અને મોસમી ઈન્ફલ્યુએન્ઝાના કેસોની બારીકાઈથી દેખરેખ રાખે છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે.
હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) શું છે
હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) એ એક વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાનાં બાળકો અને વૃદ્ધોમાં, HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
શું HMPV એ COVID-19 જેવો જ છે?
HMPV ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. વાઇરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે. જ્યારે HMPV અને SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાઈરસ) અલગ-અલગ વાઇરલ સાથે સંબંધીત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાઇરસ મુખ્યત્વે માનવ શ્વસનતંત્રને નિશાન બનાવે છે, જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોવિડ-19ની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાઇરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાઇરસની જેમ, HMPV પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.
HMPV સંક્રમણને કેવી રીતે અટકાવવો?
HMPVના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.