
કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) છે, જે એક RNA વાઇરસ છે.જ્યારે વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. HMPV ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાઇરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે.જો કે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે.
ખાંસી અને છીંકથી વાઇરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાઇરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. રોઇટર્સ અનુસાર, ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.