મ્યાંમારમાં લશ્કરી બળવા પછી હિંસા અટકવાનું નામ નથી લેતી. ચીનની એક ફેક્ટરીમાં આગ લાગ્યા પછી સૈન્યએ પ્રદર્શનકારીઓ પર બેફામ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં કુલ ૭૦ જેટલાં લોકોનાં મોત થયા હતા. અત્યાર સુધીમાં લગભગ ૧૩૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
મ્યાંમારમાં લશ્કરી બળવા પછી દેશભરમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. લશ્કરી બળવાના વિરોધમાં દેશભરના અલગ અલગ શહેરોમાં દેખાવો થઈ રહ્યાં છે. શરૃઆતમાં શાંતિપૂર્ણ દેખાવો થઈ રહ્યાં હતા, પરંતુ લશ્કરે દેખાવકારો પર બળપ્રયોગ કર્યો એ પછી ધીમે ધીમે પ્રદર્શનો પણ હિંસક બનવા લાગ્યા હતા.
ચીનની સરકાર લશ્કરના સમર્થનમાં હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ ચીનના આવા વલણ સામે વિરોધ ઉઠાવ્યો હતો અને ચીનની ફેક્ટરીઓને આગ ચાંપી દીધી હતી. યંગૂનમાં આવેલી ચીનની ફેક્ટરીમાં આગ લાગ્યા પછી લશ્કરે બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં કુલ ૭૦ લોકોનાં મોત થયા હતા. લશ્કરના ગોળીબારમાં જ ૫૧ લોકો માર્યા ગયા હોવાનો દાવો થઈ રહ્યો છે.
ચીનની ફેક્ટરીઓમાં આગ પછી ચીનનું સત્તાવાર નિવેદન આવ્યું હતું. ચીને કહ્યું હતું કે મ્યાંમારની ફેક્ટરીમાં આગ લાગવાથી કંપનીને ૩.૭ કરોડ ડોલરનું નુકસાન થયું છે. સાથે સાથે ચીને લશ્કરને હિંસા અટકાવવાની અપીલ પણ કરી હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. ચીની દૂતાવાસે પણ લશ્કરના અધિકારીઓને હિંસા ન કરવાની સલાહ આપી હતી.
સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જતાં લશ્કરે યંગૂન સહિતના છ શહેરોમાં માર્શલ લો લાગુ કરી દીધો હતો. ઉત્તર ડેગોન, દક્ષિણ ડેગોન, ડેગોન સીખેન, ઉત્તર ઓક્કપાલા, હલાઈંગ થાર યાર અને શ્વેપયિતા જેવા છ શહેરો માર્શલ લો હેઠળ આવી ગયા છે.
મ્યાંમારના લશ્કરે પ્રદર્શનો કાબૂ બહાર જતાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. કોઈ જ સત્તાવાર જાહેરાત કર્યા વગર ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ હતી. મ્યાંમાર લશ્કરે ઈન્ટરનેટ સર્વિસ બંધ થયાનો ઈનકાર કર્યો હતો, પરંતુ લોકોએ ઈન્ટરનેટ સર્વિસ બંધ થયાની ફરિયાદ કરી હતી.
દેશનાં શાસક આંગ સાન સૂકીની ધરપકડ થઈ પછી તેમણે કોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી ટાળી દેવામાં આવી હતી. તેમના વકીલે કહ્યું હતું કે આંગ સાન સૂકી વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજરી નોંધાવવાના હતા, પરંતુ હાલ પૂરતી સુનાવણી ટાળી દેવામાં આવી છે. આગામી સુનાવણી કદાચ ૨૪મી માર્ચે થશે એવું તેમના વકીલ ખીન મૌંગ ઝાએ કહ્યું હતું.