ચીન એક તરફ વાટાઘાટો અને યુદ્ધ નથી ઈચ્છતાની વાતો કરી રહ્યું છે ને બીજી બાજુ ભારતીય સરહદે યુદ્ધના ઉન્માદ જેવા અટકચાળા કરી રહ્યું છે. ચીન કોઈ જ કારણ વગર સરહદે સતત ટેન્શન વધારી રહ્યું હતું. હવે ચીનની ચાલનો આકરો જવાબ આપવા ભારતીય હવાઇ દળે લદ્દાખ સરહદે પોતાનાં મારકણાં યુદ્ધ વિમાનો તૈનાત કરી દીધા છે.
ભારતીય વાયુસેનાએ તેના સુખોઇ, મિરાજ અને તાજેતરમાં ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા ઘાતક એવા રાફેલ વિમાનો લદ્દાખ સરહદે સક્રિય કરી દીધા છે. આ વિમાનો સતત સરહદો ગજવી રહ્યાં છે અને ચીન પર બાજનજર બાજ નજર પણ રાખી રહ્યા છે. ચીનનો ઈતિહાસ અને બદ ઈરાદાને ધ્યાનમાં રાખી ભારત આ વખતે કોઈ પણ ભોગે ગાફેલમાં રહેવા નથી માંગતુ.
લદ્દાખ પાસે ચુમારના હેન્લી હૉલ વિસ્તારમાં ભારતીય હવાઇ દળે પોતાની કુમક ગોઠવી દીધી છે. શિયાળો બેસવાની તૈયારી છે ત્યારે લાંબા સમયની સતર્કતા માટે ભારતીય હવાઇ દળે તરત પગલા્ લીધાં હતાં. લદ્દાખની આસપાસ બંને દેશોનાં લશ્કરી અધિકારીઓ વચ્ચે એવી ચર્ચા થઇ હતી કે હવે સરહદ પર લશ્કરી કુમક વધારવી નહીં. પરંતુ ચીન વાટાઘાટ કર્યા પછી તરત ફરી જાય છે અને વધુ કુમક મોકલ્યા કરે છે. બંને દેશો વચ્ચે હજુય વાટાઘાટો ચાલુ હતી.
ભારતીય લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન પર ભરોસો રાખી શકાય એમ નથી કારણ કે એની વાતો અને વર્તન વચ્ચે એકરાગતા નથી. એ બોલે છે કંઇ અને કરે છે કંઇ.એટલે આપણે સતત સજાગ રહેવું પડશે.
ભારતનો જવાબ હશે ઘાતક
નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતે જે રીતે પોતાના યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે તેને જોતા ભારતીય સેના કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા સજ્જ છે. ભારતનો જવાબ ચીનની સેના કરતા ઘણો વધારે ઝડપી હશે. કારણ કે ભારતના એરબેઝથી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) ખુબ નજીકના અંતરે છે.
તો ભારતને આ માટે થશે જોરદાર ફાયદો
ભારતીય સેનાએ પેંગોગ લેકના ઉત્તર અને દક્ષિણમાં ખુબ જ ઉંચા પહાડો પર કબજો જમાવીને સ્થિતિ મજબુત બનાવી લીધી છે. ચીન માટે ભારતીય સૈન્યની પોઝિશન શોધવી ભારે મુશ્કેલ હશે. જ્યારે ભારતીય સેના ચીનના કોઈ પણ હુમલાનો સટીક જવાબ આપી શકશે. જાણકારી પ્રમાણે 2016ના ઉરી બાદ સર્જીકલ સ્ટ્રાઈક અને 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ સરકારે સેનાને પોતાના હથિયારોના ભંડારમાં વધારો કરવાની મંજુરી આપી દીધી હતી અને સેના હવે ઓછામાં ઓછા 10 દિવસ સુધી મોટા યુદ્ધ માટે સજ્જ બની ગઈ છે. જે ચીનને ભારે પડી શકે છે.