ચીને પાકિસ્તાનને રોકડું પરખાવ્યું, સુરક્ષામાં તમે નિષ્ફળ, હવે અમે અમારી સેના તહેનાત કરીશું

  • સીપીઇસીમાં ચીનના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાને ૧૫ હજાર સૈનિકોની વિશેષ સુરક્ષા ડિવિઝન બનાવી છે.

ઇસ્લામાબાદ, ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે સીપીઇસી પર વધી રહેલા હુમલાને પગલે પાકિસ્તાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ચીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સોય ઝાટકીને કહ્યું હતું કે સુરક્ષા પૂરી પાડવામાં પાકિસ્તાની સેના અને સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ ગઈ છે. હવે સીપેકસ્થિત બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહ રાજ્યોમાં ચીન પોતાની રેડ આર્મી તહેનાત કરશે. ચીનના રાજદૂત જિયાંગ જાયડોંગે શાહબાઝને રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ સંદેશો પહોંચતો કરી દીધો છે. છેલ્લા ૭ દિવસમાં બલુચ હુમલામાં ગ્વાદર પોર્ટ પર ૩ ચીની અધિકારી ઘવાયા છે જ્યારે ખૈબરમાં કબાઇલી હુમલામાં ચીનના ૫ ઇજનેર માર્યા ગયા છે. પાકિસ્તાને પહેલાં પણ ચીની નાગરિકોને સુરક્ષા આપવાની ખાતરી આપ્યા છતાં હુમલા ન રોકાતાં ચીને નારાજગી દર્શાવી છે.

ખરેખરમાં સીપીઇસીમાં ચીનના નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાને ૧૫ હજાર સૈનિકોની વિશેષ સુરક્ષા ડિવિઝન બનાવી છે. પરંતુ, બે વર્ષમાં ચીનના ૩૦ નાગરિકોના મોત થયા છે મંગળવારે ચીનના એન્જિનિયરોની ગાડી વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. સુરક્ષા જાણકારોના કહેવા પ્રમાણે બલુચિસ્તાન અને ખૈબરમાં ચીનના સીપેક પ્રોજેક્ટ પ્રત્યે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ છે. બલુચ લિબરેશન આર્મી અને ખૈબરમાં કબાઇલી હુમલા વિરુદ્ધ ચીન સશસ્ત્ર જવાનોની તૈનાતીની સાથેસાથે જાસૂસી નેટવર્ક પણ તૈયાર કરશે. તેમાં સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવાશે. ચીન સરકારે અલાયદું ભંડોળ આપવાની પણ વાત કરી છે. ખૈબરમાં પાકિસ્તાનની સેનાએ રોડ ઓપનિંગ ટીમ મોકલી ન હોવાથી કબાઇલીઓ હુમલો કરવામાં સફળ રહ્યા હોવાનું ચીનનું માનવું છે.

જાણકારોના કહેવા પ્રમાણે કંગાળ પાકિસ્તાનને ૬ લાખ કરોડના સીપૅક પ્રોજેક્ટ ગુમાવવાનું જોખમ છે. આથી તે ચીન દ્વારા સેના તૈનાત કરવા સામે ના પાડી શકે તેમ નથી. વડાપ્રધાન શરીફ ટૂંક સમયમાં ચીનની યાત્રાએ જવાના છે. સીધી આર્થિક સહાય માટે પાકિસ્તાનને ચીન પર નિર્ભર રહેવું જરૂરી છે. સાથે જ ઍરફોર્સ માટે ૫૦ ફાઈટર જેટની ડીલ પણ કરવાની છે.

જાપાનના અખબારે પાકિસ્તાનમાં હાજર ચીનના નાગરિકો અને તેમના ધંધા પરના જોખમ અંગે વિશેષ તપાસ હાથ ધરી હતી. તેના અહેવાલ મુજબ પાકિસ્તાનના તમામ આતંકવાદી સંગઠનો ચીનના નાગરિકો અને તેમના વ્યવસાયો અથવા કંપનીઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેનું કારણ એ છે કે છેલ્લા ૫ વર્ષમાં તેમના સત્તા અને પ્રભાવ ખૂબ જ ઝડપથી વયો છે. ઘણી જગ્યાએ તેઓ સ્થાનિક લોકો કરતા પણ વધુ શક્તિશાળી છે. આતંકવાદી સંગઠનોને લાગે છે કે ચીનના નાગરિકોના કારણે તેમના સમુદાયો અથવા વિસ્તારોને નુક્સાન થઈ રહ્યું છે અને તેઓનો ધંધો છીનવાઈ રહ્યો છે. શરૂઆતમાં કરાચી અને લાહોર જેવા વિસ્તારોમાં ચીનના નાગરિકોના વ્યવસાયો અને ઓફિસો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ પછી તેની કંપનીઓને નિશાન બનાવવામાં આવી હતી.