બીજીંગ, ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. અમેરિકા સાથે પાકિસ્તાનની વધતી જતી નિકટતાથી ચીન નારાજ થઈ ગયું છે. કદાચ આ જ કારણ છે કે ચીને સંરક્ષણ ઉપકરણોની ચુકવણીમાં વિલંબ પર પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે.
ચીને પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો સમયસર ચુકવણી નહીં કરવામાં આવે તો તે તેની સેનાને સંરક્ષણ ઉપકરણોની સપ્લાય અટકાવી શકે છે. એક અહેવાલ મુજબ, આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ મળ્યા હતા અને સમયસર ચુકવણી કરવાની વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચીનનું પાકિસ્તાન પર લગભગ ૧.૫ અબજ ડોલરનું દેવું છે. નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન પર દબાણ બનાવવું એ ચીનની રણનીતિનો ભાગ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ચીન અને પાકિસ્તાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આટલરીથી લઈને મિસાઈલ સિસ્ટમ્સ સુધીની સંરક્ષણ જરૂરિયાતો માટે પાકિસ્તાનની ચીન પર ભારે નિર્ભરતાનો ઉલ્લેખ કરાયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ડેટ ડેડલોક લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેનાથી દેશની મુખ્ય સંરક્ષણ પ્રણાલીને તો ગ્રહણ લાગી શકે છે પરંતુ બંને દેશોના સંબંધો પર પણ વિપરીત અસર પડી શકે છે. તમને જણાવી દઈએ કે ચીન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનને તેની સૈન્ય ક્ષમતા વધારવામાં મદદ કરી રહ્યું છે. બીજી તરફ, ભારતીય નૌકાદળના વડાએ તાજેતરમાં જ પાકિસ્તાન અને ચીન વચ્ચે નૌકાદળની ક્ષમતામાં વધતા સંબંધોને ઉજાગર કર્યો હતો.
મેજર જનરલ અશોક કુમાર (નિવૃત્ત)એ કહ્યું કે પાકિસ્તાન આશ્ર્વાસન પછી જ ખાતરી આપી શકે છે, પરંતુ ચીનને તેના પૈસા પર કોઈ વળતર દેખાતું નથી અને સુરક્ષા મોરચે કોઈ ખાસ ફેરફાર થયો નથી. ચીન એ પણ જાણે છે કે તે સંરક્ષણ સાધનોના ક્રેડિટ આધારિત સપ્લાય અથવા સીપીઇસી પર પાકિસ્તાન પાસેથી સમર્થન પાછું ખેંચી શક્તું નથી.