નવીદિલ્હી, સરહદ નક્કી કરવાની વાતચીત વચ્ચે ચીને ભૂટાનની જકરલુંગ ઘાટીમાં ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિઓ વધારી દીધી છે. આ બાંધકામ સાથે જોડાયેલી કેટલીક સેટેલાઇટ તસવીરો સામે આવી છે જેમાં ચીનની ગેરકાયદે બાંધકામ ગતિવિધિ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે એવું લાગે છે કે ભૂટાન પાસે ચીનના પ્રસ્તાવને સ્વીકારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.
ભૂટાનના જકરલુંગ ઘાટી બેયુલ ખેનપાજોંગ વિસ્તારનો ભાગ છે જે ભૂટાનના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક અને આર્થિક વિસ્તાર છે. મેક્સાર સેટેલાઇટની તસવીરો બતાવે છે કે કેવી રીતે ચીને ૨ વર્ષમાં જકરલુંગ ઘાટીમાં પોતાનું કામ હાથ ધર્યું છે. ચીને તાજેતરમાં જ આ વિસ્તાર પર પોતાનો દાવો ઠોક્યો છે અને તે એમ પણ જાણે છે કે ભૂટાન પાસે પ્રતિક્રિયાના રૂપમાં ઘણા ઓછા વિકલ્પ છે.
રિપોર્ટ અનુસાર, ૭ ડિસેમ્બરની સેટેલાઇટ તસવીરોમાં જોઇએ તો ચીન દ્વારા જકરલુંગ ઘાટીમાં ૧૨૯ બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. આ એક રહેણાંક વિસ્તાર લાગે છે અને તેનાથી થોડા દૂર એક બીજા વિસ્તારમાં ૬૨ બિલ્ડિંગ દેખાઇ રહી છે.આ વિસ્તારની ઓગસ્ટ, ૨૦૨૧ની જૂની તસવીરો જોઇએ તો ખબર પડે છે કે ત્યારે તેમાં કોઇ પણ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું નહતું.
લંડન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીમાં તિબેટના જાણકાર પ્રોફેસર રોબર્ટ વાર્નેટે કહ્યું, આ ચીન દ્વારા ચરવૈયા દ્વારા ચરાવવામાં આવેલી પૂર્વ પ્રથાઓના આધાર પર દાવાની ઘટના છે. એક તરફી વિસ્તાર પર કબ્જો જમાવી લેવો અને વિસ્તારમાં ગામ, સેન્ય બેરક અને ચોકીઓ બનાવવી.કબ્જા પછી ભૂટાન પર પૂર્વ સરહદથી ૫૦ કિલોમીટર દૂર સ્થિત વિસ્તારમાં ચીની શરતોનો સ્વીકાર કરવા સિવાય કોઇ વિકલ્પ બાકી નથી.
ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે ચીન અને ભૂટાન દ્વારા જમીનના ટુકડાની અદલા બદલીની શક્યતાઓને ફગાવી દીધી હતી, જેની હેઠળ ચીન દક્ષિણમાં સ્થિત ડોકલામ પર પોતાનો દાવો છોડી શકે છે તો જકરલુંગ સહિત કેટલાક વિસ્તારમાં જમીનની અદલા બદલી થઇ શકે છે.જોકે, શેરિંગે કહ્યું, આ ભૂટાનના હિતમાં હશે કે સરહદી વાર્તામાં બન્ને પક્ષ (ભારત અને ચીન) તેના નિર્ણયથી ખુશ થાય.રોબર્ટ વાર્નેટનું માનવું છે કે જે રીતે સરહદ વિવાદને લઇને કેટલીક સંધીઓનું ઉલ્લંઘન કરવા ચીનની ચાલ સામે આવી છે તેનાથી ભારતની ચિંતા વધી શકે છે.
રોબર્ટ વાર્નેટનું કહેવું છે, ચીને વિવાદિત વિસ્તારમાં યથાસ્થિતિમાં બદલાવ ના કરવા માટે ૧૯૯૮માં ભૂટાન સાથે એક ઔપચારિક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ જકરલુંગ પર કબ્જો કરીને અને તેને વસાવવામાં ચીને સમજૂતિનું ઉલ્લંઘન કર્યું છે.
ચીન ભારતના સિલિગુડી નજીક પણ બાંધકામ વધારી રહ્યું છે જેને લઇને કેન્દ્ર સરકારે ભારતીય સેનાને કેટલીક વખત ચેતવણી આપી છે.સિલિગુડી કોરિડોર તે સાંકળો રસ્તો છે જે ભારતના પૂર્વોત્તર ભાગને દેશના અન્ય ભાગ સાથે જોડે છે. આ વિસ્તારમાં ધીમે ધીમે બાંધકામ કરીને ચીનની ક્ષેત્રીય વિસ્તાર યોજનાઓની રણનીતિ રહી છે, જેને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ’સલામી- સ્લાઇસિંગ’ નામ આપ્યુ હતુ.