નવીદિલ્હી,અરુણાચલ પ્રદેશને લઈને ભારત સાથે ચીનનો વિવાદ ફરી એકવાર વધી ગયો છે. ભારતના અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો દાખવવા માટે, ચીને ત્રણ ભાષાઓ, ચીની, તિબેટીયન અને પિનયિનમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશના ૧૧ સ્થળોના નામની યાદી બહાર પાડી છે. તેમાં બે મેદાનો, બે રહેણાંક વિસ્તારો, પાંચ ટેકરીઓ અને બે નદીઓનો સમાવેશ થાય છે.
હકીક્તમાં, આ ત્રીજી વખત છે જ્યારે ચીને એપ્રિલ, ૨૦૧૭ અને ડિસેમ્બર, ૨૦૨૧માં એક્તરફી રીતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલ્યા છે. જેમાં ૨૦૧૭માં ૬ અને ૨૦૨૧માં ૧૫ જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. હવે ત્રીજી યાદીમાં ૧૧ સ્થળોના નામ બદલવામાં આવ્યા છે.
જોકે ભારતે અગાઉ અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને નકારી કાઢ્યું છે. ભારત તરફથી હંમેશા એવું કહેવામાં આવે છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિસેમ્બર ૨૦૨૧માં કહ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં આ રીતે સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય.
ચાઇનીઝ મીડિયા રિપોર્ટમાં, ચાઇનીઝ એકેડમી ઑફ સોશિયલ સાયન્સિસ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇનીઝ બોર્ડરલેન્ડ સ્ટડીઝના ઝાંગ યોંગપાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, નામોને પ્રમાણિત કરવાનું ચીનનું પગલું તેની સંપ્રભુતા હેઠળ આવે છે. બેઇજિંગમાં ચાઇના તિબેટોલોજી રિસર્ચ સેન્ટરના નિષ્ણાત લિયાન ઝિયાંગમિને જણાવ્યું હતું કે ભવિષ્યમાં અરુણાચલ પ્રદેશમાં વધુ પ્રમાણિત સ્થાનોના નામ જાહેર કરવામાં આવશે.
૨૦૧૭ માં, તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત પછી, ચીને નામોની પ્રથમ યાદી બહાર પાડી. આ સિવાય ચીને દલાઈ લામાની મુલાકાતની ઘણી ટીકા કરી હતી. જણાવી દઈએ કે દલાઈ લામા તિબેટથી અરુણાચલ પ્રદેશના તવાંગ થઈને ભાગી ગયા હતા. ૧૯૫૦માં તિબેટ પર ચીનના કબજા બાદ તેમણે ૧૯૫૯માં ભારતમાં આશ્રય લીધો હતો.