બીજીંગ,
કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને જોતા ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પણ હવે વિશ્ર્વના અન્ય દેશોની માફક ચીનના મુસાફરો માટે પ્લેનમાં સવાર થતા પહેલા કોવિડ-૧૯ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. કોરોના મહામારીને લગતા પ્રતિબંધોને અચાનક હળવા કર્યા પછી ચીનમાં કોરોના સંક્રમણ રાષ્ટ્રવ્યાપી ફાટી નીકળવાની સાથે આ મહામારી સામે લડી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, આગામી ૫ જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ અથવા મકાઉથી આવનારા તમામ મુસાફરોએ પ્રસ્થાનના બે દિવસ પહેલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ્સ બતાવવાના રહેશે. જો રિપોર્ટ નેગેટીવ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.
ઓસ્ટ્રેલિયાની માફક જ, કેનેડાના સત્તાવાળાઓએ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમના દેશમાં પણ ચીનથી આવનારા મુસાફરો માટેના આ નિયમો આગામી ૫ જાન્યુઆરીથી અમલમાં આવશે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા પહેલા અમેરિકા, બ્રિટન, ભારત, જાપાન, ઈઝરાયેલ ઉપરાંત ઘણા યુરોપિયન દેશોએ ચીનના પ્રવાસીઓ પર આ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.
ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથેસાથે મૃત્યુઆંક પણ આસમાને પહોચી રહ્યો છે. ચીનની સરકારે આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે કોરોનાથી મૃત્યુ પામનારાઓની વાસ્તવિક સ્થિતિ જાણી શકાતી નથી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો જોતા કહી શકાય કે ચીનમાં મોતનો તાંડવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. મૃતદેહો માટેની શબપેટીઓ પણ ઓછી પડી રહી છે. જેના કારણે મૃતદેહોને પ્લાસ્ટિકની પોલીથીન બેગમાં ઢાંકવામાં આવી રહ્યા છે.
ભારત સહિત ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો માટે કડક માર્ગદશકા જાહેર કરી છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ એક દિવસ પહેલા જ કોવિડ-૧૯ કેસમાં વધારા અંગે ડબ્લ્યુએચઓ નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ચીન, ભારત, અમેરિકા, જાપાન, ઈટાલી અને તાઈવાનમાં વધતા જતા કોરોનાના કેસોને જોતા કડક માર્ગદશકા બનાવી છે. ચીનથી આવનારા મુસાફરોનું ફરજિયાત પરીક્ષણ કરવામાં આવશે. આ દેશો ઉપરાંત ઈઝરાયેલે પણ કડક નિયંત્રણો જાહેર કર્યા છે, જેના હેઠળ મુસાફરોએ તેમના કોવિડ નેગેટિવ સટફિકેટ બતાવવાનું રહેશે. કોવિડ નેગેટિવ સટફિકેટ વિના ઇઝરાયેલની મુસાફરી કરી શકાશે નહી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે, બેઈજિંગને વધુ માહિતી આપવા કહ્યું હતું અને ભારત સહીતના દેશોએ લાગુ કરેલા, રોગચાળાથી પ્રભાવિત પ્રવાસીઓની તપાસ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ચીનના નેશનલ હેલ્થ કમિશનએ ઓનલાઈન મીટિંગ બાદ એક નિવેદનમાં જણાવ્યું કે, ચીનના અધિકારીઓ અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોએ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ, સારવાર અને રસીકરણ અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું.