ચીન સાથે ભારતના સંબંધો ખૂબ જ જટિલ છે. ચીને ભારતના ઘણા વિસ્તારો પર કબજો જમાવ્યો છે: રાહુલ ગાંધી

વોશિગ્ટન : અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન સાથે ભારતના સંબંધો ખૂબ જ જટિલ છે. ચીને ભારતના ઘણા વિસ્તારો પર કબજો જમાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન ભારત પર કંઈ લાદી શકે નહીં. ભારત અને ચીન વચ્ચેના સંબંધો સરળ નથી, તે ’જટિલ’ બની રહ્યા છે.

અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબમાં ચીન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રાહુલને પૂછવામાં આવ્યું કે, ’આગામી પાંચ-દસ વર્ષમાં ભારત અને ચીનના સંબંધોને તમે કેવી રીતે જોશો, કેવી રીતે જુઓ છો?’ રાહુલે કહ્યું કે ’આ હવે મુશ્કેલ છે. મારો મતલબ કે તેઓએ આપણા કેટલાક પ્રદેશ પર કબજો કરી લીધો છે. આ મુશ્કેલ છે, આટલા સરળ નથી.’ તેમણે કહ્યું, ‘ભારત પર કંઈ લાદી શકાય નહીં. આવું કંઈ થવાનું નથી.

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ૩ વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે. જૂન ૨૦૨૦ માં, પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. ભારતનું વલણ છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વાતચીત દરમિયાન, રાહુલે પશ્ર્ચિમી દેશોના દબાણ છતાં યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાની ભારતની નીતિને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું કે શું તેઓ રશિયા પર ભારતના તટસ્થ વલણને સમર્થન આપે છે, જેના પર તેમણે કહ્યું, અમારા રશિયા સાથે સંબંધો છે, અમારી રશિયા પર કેટલીક નિર્ભરતા છે. તેથી જ હું ભારત સરકારની જેમ જ સ્ટેન્ડ રાખું છું.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતે પોતાના હિતોની તરફ જોવું પડશે કારણ કે ભારત એક મોટો દેશ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારત દેશ એટલો નાનો છે અને કોઈ પર નિર્ભર છે કે તેના સંબંધ માત્ર એક સાથે છે અને બીજા કોઈ સાથે નથી. પોતાની વાત સ્પષ્ટ કરતાં તેણે કહ્યું કે ’આપણે હંમેશા આ પ્રકારનો સંબંધ રાખીશું. કેટલાક લોકો સાથે આપણા સંબંધો વધુ સારા હશે, તો કેટલાક સાથે આપણા સંબંધો હશે. તેથી આ પ્રકારનું સંતુલન છે.રાહુલે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોનું સમર્થન કર્યું હતું.