ચીન, ચીનનું કથિત રીતે સમુદ્રમાં સંશોધન કરતું જહાજ જિયાંગ યાંગ હોંગ માલદિવ્સની રાજધાની માલે પહોંચી ગયું છે. માલિદિવ્સના વિશેષ આથક ક્ષેત્ર નજીક લગભગ એક મહિનો પસાર કર્યા પછી આ જહાજ ગુરુવારે માલે પહોંચ્યું છે. આ જહાજ અહીંથી ક્યાં જશે તે સ્પષ્ટ નથી. જોકે, આ જહાજ પર ભારતની જાસૂસી કરવાના આક્ષેપો મૂકાતા રહ્યા છે. અગાઉ આ જહાજ શ્રીલંકા આવ્યું ત્યારે પણ ભારત તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારતે આ પ્રકારના અન્ય એક જહાજના શ્રીલંકા આગમન સામે વિરોધ નોંધાવ્યો હતો.
માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ ચીનનો રાજકીય પ્રવાસ સમાપ્ત કર્યાના ૨૪ કલાકમાં જ જિયાંગ યાંગ-૩એ ૧૪ જાન્યુઆરીથી તેનો પ્રવાસ શરૂ કર્યો હતો. સમુદ્રી ટ્રાફિકને ટ્રેકિંગ કરતી વેબસાઈટ્સ પરથી ખ્યાલ આવે છે કે આ જહાજ અત્યારે થિલાફુસી પાસે છે. જોકે, આ જહાજ ૨૨ જાન્યુઆરીથી સામાન્ય ટ્રેકિંગ સાઈટો પર જોવા મળ્યું નહોતું.
ચીનનું જહાજ જિયાંગ યાંગ-૩ વારંવાર તેની ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દેતું હોવાથી તેના પર અરબી સમુદ્રની આજુબાજુના દેશોની જાસૂસી કરવાના આરોપો મૂકાતા રહે છે. આ જહાજ ૨૨ જાન્યુઆરીએ ઈન્ડોનેશિયા પાસે જાવા સાગરમાં હતું. સેટેલાઈટ એઆઈએસ ટ્રેકિંગથી ખ્યાલ આવે છે કે આ જહાજ માલદિવ્સના ઈઈઝેડ પર હતું. ચીનનું જહાજ જિયાંગ વાંગ-૩ લગભગ એક મહિનો અહીં રોકાયું હોવાનું મનાય છે.
માલદિવ્સે કહ્યું છે કે ચીનનું જહાજ તેના જળ ક્ષેત્રમાં માત્ર રોટેશન અને રિપ્લેનિશ માટે આવ્યું છે. ચીનનું આ જહાજ અંદાજે ૧૦૦ મીટર લાંબુ છે. આ જહાજ ૨૦૧૬માં ચીના સ્ટેટ ઓસનિક એડમિનિસ્ટ્રેશનના કાફલામાં સામેલ કરાયું હતું. હાલમાં ચીનનું આ એકમાત્ર જહાજ ૪,૫૦૦ ટનનું છે. ૨૦૧૯થી ચીન દૂરના જળ ક્ષેત્રો અને ઊંડા સમુદ્રનું સર્વેક્ષણ કરવા માટે આ જહાજનો ઉપયોગ કરે છે. આ જહાજનો ઉપયોગ સુક્ષ્મજીવ આનુવંશિક અભ્યાસ, પાણીની નીચે ખનીજોના સંશોધન અને અભ્યાસ માટે પણ કરી શકાય છે.
ભારત અને માલદિવ્સ વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ચીનનું જાસૂસી જહાજ માલદિવ્સના જળ ક્ષેત્રમાં પહોંચ્યું છે, જે ભારત માટે ચિંતાની બાબત છે. માલદિવ્સની મુઈઝ્ઝુ સરકારે આ ચીની જહાજને માલેમાં રોકાવાની મંજૂરી આપી છે. જોકે, ચીનના આ જહાજને સરવેના નામે અપાતી મંજૂરી ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક છે.
જિયાંગ યાંગ હોંગ-૩એ અનેક વખત હિન્દ મહાસાગરનો પ્રવાસ કર્યો છે. વર્ષ ૨૦૨૧માં ઈન્ડોનેશિયામાં સુંડા જલડમરુમયથી તે પસાર થયું હતું તે સમયે ઈન્ડોનેશિયાના અધિકારીઓ પણ ચિંતિત થઈ ગયા હતા. વર્ષ ૨૦૨૨માં રોકેટ અને મિસાઈલ પ્રક્ષેપણો પર નજર રાખવા સક્ષમ સૈન્ય જહાજ યુઆન વાંગ-૫ કોલંબોમાં પહોંચતા ભારતે ચિંતા વ્યક્ત કરી હતી.