ચીનનો પાકિસ્તાનને આંચકો : અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો.

બીજીંગ,

પાકિસ્તાની આતંકી અબ્દુલ રહેમાન મક્કી મુદ્દે ચીને પોતાના મિત્ર પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. ભારતમાં અનેક આતંકી હુમલાનો આરોપી અને પાકિસ્તાની આતંકી અબ્દુલ રહેમાન મક્કી હવે આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર થઈ ચૂક્યો છે. સુરક્ષા પરિષદની ગ્લોબલ ટેરેરિસ્ટ લિસ્ટમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. વાત જાણે એમ છે કે અત્યાર સુધી ચીન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં સામેલ કરવા મુદ્દે અડિંગો જમાવતું હતું. પરંતુ ૧૬ જૂન ૨૦૨૩ના રોજ ચીને પોતાના હાથ પાછા ખેંચી લીધા અને આ સાથે જ અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો.

અમેરિકા અને ભારતે બહુ પહેલા મક્કીને આતંકી જાહેર કરી દીધો હતો. પરંતુ યુએન સુરક્ષા પરિષદમાં ચીનના વીટોના કારણે વારંવાર તે આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થવાથી બચી રહ્યો હતો. જૂન ૨૦૨૨માં પણ આઇએસઆઇએલ પ્રતિબંધ સમિતિ અને અલ કાયદા હેઠળ આતંકવાદીઓની સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ચીને મક્કી વિરુદ્ધ ભારત અને અમેરિકાના પ્રસ્તાવને પાસ થવા દીધો નહતો અને સુરક્ષા પરિષદની ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં મક્કીને સામેલ કરાવવા મુદ્દે અડિંગો જમાવ્યો હતો.

અબ્દુલ રહેમાન મક્કી આતંકી સંગઠન લશ્કર એ તૈયબા એટલે કે જમાત ઉદ દાવાનો પોલિટિકલ વિંગનો મુખ્યા છે. મક્કીને એલઈટીના આંતરરાષ્ટ્રીય મામલાઓનો પ્રમુખ પણ ગણાવવામાં આવે છે. તે આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો પ્રમુખ અને ૨૬/૧૧ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ મોહમ્મદ સઈદનો સાળો છે.