ચીનની ધમકીથી પાકિસ્તાન ડરી ગયુ સીપીઇસીનાં રક્ષણ માટે સૈનિકો ગોઠવ્યા

વડાપ્રધાન શાહબાઝ શરીફે આઝમ-એ-ઇસ્તેહકામ (સ્થિરતા માટે પ્રતિબદ્ધ(તા) નામે એક સૈન્ય અભિયાન શરૂ કરવા નિર્ણય કર્યો છે. તેનો હેતુ દેશમાં વધી રહેલી કટ્ટરપંથી ગતિવિધિઓ અને આતંકવાદ ખતમ કરવાનો છે. પાકિસ્તાને આ નિર્ણય ચીને આપેલી ધમકી પછી લીધો છે. ચીને ચાયના-પાકિસ્તાન-ઇકોનોમિક-કોરીડોર (સીપીઈસી) અંગે ચિંતા દર્શાવવા સાથે ધમકી પણ આપી છે.

આ અભિયાન દ્વારા પાકિસ્તાન, બાલ્ટિસ્તાન અને પીઓકે સહિત તમામ રાજ્યોમાં ચલાવવામાં આવશે. આ નિર્ણય સામે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની પાર્ટી સહિત લગભગ તમામ વિપક્ષોએ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય લેતાં પૂર્વે સંસદને વિશ્ર્વાસમાં લીધી ન હતી.

તે સર્વવિદિત છે કે આતંકીઓ પાકિસ્તાનમાં ચીનનાં હિતોને સતત નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને સીપીઈસી સહિત ઉત્તર પશ્ર્ચિમ અને દક્ષિણ-પશ્ર્ચિમ ક્ષેત્રને આતંકીઓએ નિશાન બનાવી દીધું છે. માર્ચ મહીનામાં જ આતંકીઓએ ચીનાઓ ઉપર હુમલા કર્યા હતા. તેમને લઈ જતાં વાહનોને નિશાન બનાવ્યાં હતાં.

દક્ષિણ પશ્ર્ચિમે બલૂચ-લિબરેશન આર્મી દ્વારા ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્ષમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કોમ્પ્લેક્ષ ચીનાઓ તૈયાર કરી રહ્યાં છે. ત્યાં આત્મઘાતી બોમ્બ-હુમલા થઈ રહ્યા છે. તેમાં અનેકના જીવ ગયા છે. આથી ચીન ભડકી ઊઠયું છે.

એક ચીની અધિકારીએ સીપીઈસી કોરીડોરમાં સંભવિત ખતરાઓ વિષે સવિસ્તર માહિતી આપી હતી. પાકિસ્તાન-ચીન સંયુક્ત બેઠકમાં તે અધિકારીએ કહ્યું હતું કે વિશ્ર્વાસ સોના કરતાં પણ વધુ કીંમતી છે. પાકિસ્તાન પરથી ચીની નિવેશકોને વિશ્ર્વાસ ઉઠી ગયો છે, તેનું કારણ અહીંની સલામતીની સ્થિતિ છે.

આથી શાહબાઝ શરીફ હવે ચીન-પાકિસ્તાન-ઇકોનોમિક કોરીડોર તથા ચીની ઇજનેરો વગેરે જ્યાં કામ કરે છે તે સ્થળની તથા તેમના રહેણાંક વિસ્તારની સલામતી લશ્કરને સોંપી છે.