
અજમેર,
અરૂણાચલ પ્રદેશ રાજ્યના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને કારણે તંગદિલી ફેલાઈ છે. રાજકીય શોરબકોર પણ થઈ રહ્યો છે ત્યારે અહીંની વિખ્યાત અજમેર દરગાહના ધાર્મિક વડા ઝૈનુલ અબેદીન અલી ખાને કહ્યું છે કે ભારતે ચીનને બાલાકોટ જેવો પાઠ ભણાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં એક આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન માર્યા ગયા હતા. તે પછી ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારને ટાર્ગેટ બનાવીને સજકલ હુમલા કર્યા હતા. ભારતના જેટ વિમાનોએ નિયંત્રણ રેખાને પાર કરી પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાંના આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો હતો.
ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, ’ચીની સૈનિકો દરરોજ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે છે. ભારતીય સૈનિકો સાથે અથડામણના પણ અહેવાલો છે. આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે કે આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને સફળ થવા દીધા નથી. ચીનની આ રોજરોજની નઠારી હરક્તોનો અંત લાવવા માટે ભારતે બાલાકોટની જેમ ચીનને પાઠ ભણાવવો જોઈએ. ભારત હંમેશાં તેના પડોશી દેશો સાથે શાંતિ અને સુમેળભર્યા સંબંધો રાખવાનો જ આગ્રહ કરે છે, પણ એ દેશોએ આને ભારતની નબળાઈ તરીકે ગણવી ન જોઈએ. ચીન હોય કે બીજો કોઈ પણ દેશ હોય, ભારત પોતાની સરહદનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.’