ચીનના સંરક્ષણ મંત્રી એસસીઓ બેઠકમાં ભાગ લેવા ભારત આવશે

નવીદિલ્હી,ચીનના સંરક્ષણ મંત્રી લી શાંગફૂ આગામી સપ્તાહે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવશે. જોકે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આવશે કે નહીં તેની પુષ્ટી મળી નથી. બીજીબાજુ રવિવારે ભારત-ચીનના સૈન્ય કમાન્ડર સ્તરની ૧૮મા તબક્કાની બેઠક યોજાઈ હતી.

શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સંરક્ષણ મંત્રીઓની બેઠક ૨૭ અને ૨૮ એપ્રિલે યોજાવાની છે. વર્ષ ૨૦૨૦ની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી પહેલી વખત ચીનના સંરક્ષણ મંત્રી ભારતનો પ્રવાસ કરશે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે તેવા સમયે એક મહિના પહેલાં જ જનરલ લી શાંગફૂએ સંરક્ષણ મંત્રીનું પદ સંભાળ્યું હતું. તેઓ હવે ચીનના સંરક્ષણ મંત્રી તરીકે એસસીઓ બેઠકમાં હાજરી આપશે. જોકે, પાકિસ્તાન તરફથી તેમના સંરક્ષણ મંત્રીની હાજરી અંગે કોઈ પુષ્ટી મળી નથી.

બીજીબાજુ ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીની હિંસા પછી શરૂ થયેલી કમાન્ડર સ્તરની વાટાઘાટો ૧૮મા તબક્કા સુધી પહોંચી ગઈ છે. છતાં કોઈ ઉકેલ મળતો નથી. પૂર્વીય લદ્દાખના ચુશુલ-મોલ્ડોમાં બંને દેશના કોર કમાન્ડરની ૧૮મા તબક્કાની બેઠક થઈ હતી. આ બેઠકમાં બંને દેશ વચ્ચે ત્રણ વર્ષથી ચાલતી સૈન્ય તંગદિલી ખતમ કરવા અને વણઉકલ્યા મુદ્દાઓ પર વાટાઘાટો થઈ હતી. ભારત તરફથી બેઠકનું નતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાશિમ બાલીએ કર્યું હતું. ચીન તરફથી લે. જન. બાલીની સમકક્ષ અધિકારીએ હાજરી આપી હતી. આ બેઠક પાંચ મહિના પછી યોજાઈ હતી.