ચીનના નગર નિગમો પર દેવું:ચીનનાં શહેરો પર ૧૯૦૦ લાખ કરોડનું દેવું,

બેજિંગ, દુનિયાના અને દેશોને દેવાની જાળમાં ફસાવી દેનારા ચીનના શહેરો જ હવે દેવાના બોજ હેઠળ ડૂબતા જઈ રહ્યા છે. ગોલ્ડમેન સાશના એક અહેવાલ પ્રમાણે, ચીનના નગર નિગમો પર રૂ. ૧૯૦૦ લાખ કરોડથી વધુનું દેવુ થઈ ગયું છે. રશિયા નજીક આવેલા ચીનના હેગાંગ શહેરમાં દેવામાંથી બહાર આવવા ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. આ શહેરની વસતી દસ લાખથી પણ વધુ છે. અહીં નગર નિગમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પણ વધારી દીધો છે. જાહેર હીટિંગ સેન્ટરોની સિસ્ટમ પણ બંધ કરી દીધી છે. અહીં અનેક દુકાનો પણ કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે.

આ શહેરમાં સફાઈ કર્મચારીઓને પણ અનેક મહિનાથી પગાર નથી મળ્યો. સ્કૂલ શિક્ષકોને પણ ચિંતા છે કે, હવે સરકાર તેમને પણ હાંકી કાઢશે. હોસ્પિટલની સરકારી સુવિધાઓ પણ થર્ડ પાર્ટીને સોંપી દેવાઈ છે, જેથી તેઓ સેવાના બદલે લોકો પાસેથી વસૂલાત કરી શકે અને નગર નિગમને આવક થઈ શકે. આ ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓને પણ થર્ડ પાર્ટીને હવાલે કરી દેવાયા છે. હેગાંગ શહેરમાં લોકો બેરોજગાર થઈ રહ્યા છે. આ સ્થિતિમાં હવે દેવામાં ડૂબેલા બીજા શહેરો પણ ઈમર્જન્સી લાદવાનું વિચારી રહ્યા છે.