બીજીંગ,ચીનમાં ઉદ્યોગપતીઓ પર શી જિનપિંગની સરકાર સતત શિકંજો જમાવી રહી છે. તેનાથી બચવા માટે દેશના અમીર લોકો ચીન છોડીને સિંગાપુર ભાગી રહ્યા છે. અલ જઝીરાના રિપોર્ટ પ્રમાણે ચીનના અનેક મોટા ઉદ્યોગપતિઓએ હાલમાં જ પોતાની સંપત્તિને સિંગાપુરની બેંકમાં ટ્રાન્સફર કરાવી દીધી છે.
રિપોર્ટ પ્રમાણે હાલમાં જ ચીનથી ગાયબ થયેલાં ત્યાંના મોટા બિઝનેસમેન બાઓ ફૈને પણ સિંગાપુરમાં એક વેલ્થ મેનેજમેન્ટ કંપની બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, તેઓ આ પહેલાં જ ગાયબ થઈ ગયાં.
ઓળખ ઉજાગર ન કરવાની શરતે અલ જઝીરાને એક વેલ્થ મેનેજરે જણાવ્યું કે છેલ્લાં થોડા વર્ષોમાં ચીન અને હોંગકોંગથી ઘણી સંપત્તિ સિંગાપુરમાં ટ્રાન્સફર થઈ છે. તેના મોટાભાગના ક્લાઇન્ટ્સ ચીનના છે. મોટાભાગના ઉદ્યોગપતિઓએ પોતાની કમાણી સિંગાપુર ટ્રાન્સફર કરવા પાછળનું કારણ સરકારનો ભય જણાવ્યું છે.
છેલ્લાં ૬ વર્ષમાં અન્ય દેશોમાંથી સિંગાપુરમાં ૨૪ લાખ કરોડની સંપત્તિ ટ્રાન્સફર થઈ છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનના લગભગ ૬૦૦ સૌથી અમીર પરિવારોએ પોતાની સંપત્તિને સિંગાપુરમાં ટ્રાન્સફર કરાવી છે. ત્યાં જ, ૫૦૦ બિઝનેસ ચીનની જગ્યાએ સિંગાપુરમાં રજિસ્ટર કરવામાં આવ્યા છે. ચીન બિઝનેસ કંપનીઓના સિંગાપુરમાં જઇને રજિસ્ટર થવા પાછળનું સૌથી મોટું કારણ ચીન વિરુદ્ધ ભારત અને અન્ય દેશો સાથે ખરાબ થતાં સંબંધ છે. જ્યાં ચીનની કંપનીઓ ઉપર બેન લગાવવામાં આવી છે.
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે સિંગાપુરની સોસાયટીમાં આ પ્રકારે ચીનની સંપત્તિ વધવાથી ત્યાંના મૂળ લોકોને પરેશાની થઈ શકે છે. સિંગાપુરમાં શિફ્ટ થઇ રહેલા ચીન અને અન્ય દેશના લોકોના કારણે ત્યાં મોંઘવારી વધી રહી છે, ઘરનું ભાડું વધી ગયું છે.
જેનાથી લોકલ લોકોને પરેશાની થઈ રહી છે. ત્યાં જ થોડાં લોકોને બીક છે કે આ પ્રકારે ચીનની સંપત્તિ સિંગાપુરમાં ટ્રાન્સફર થવી ચીન સહન કરશે નહીં. આવું કરવાથી બંને દેશોની વચ્ચે સંબંધોમાં તણાવ આવી શકે છે. સિંગાપુરમાં ચીનના લોકોનો પ્રવેશ ૧૯મી સદીમાં શરૂ થઇ ગયો હતો. સિંગાપુરમાં રહેનાર ૩૫ લાખ લોકો મૂળ ચીનના છે.
ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટના જણાવ્યા પ્રમાણે બિઝનેસ કરવાના મામલે સિંગાપુર દુનિયાની સૌથી બેસ્ટ જગ્યા છે. જોકે, ચીનના બિઝનેસમેન માત્ર આ કારણથી જ સિંગાપુરમાં બિઝનેસ કરી રહ્યા નથી. જોકે, વર્ષ ૨૦૨૧માં શી જિનપિંગની સરકારે ચીનના ફાઇનાન્શિયલ સેક્ટરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તુપાસ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધી આ તપાસની ચપેટમાં દેશની મોટી કંપનીઓ આવી ગઈ છે.આલોચકોનું માનવું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓનો ઉપયોગ પોતાના વિરોધીઓ વિરુદ્ધ કરે છે. ચીનના આકરા વ્યવહારથી બચવા માટે ત્યાંના ઉદ્યોગપતિ સિંગાપુર શિફ્ટ થઈ રહ્યા છે.