બીજીંગ,
ચીનમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતાં કેટલાક નિયમો લાદવામાં આવ્યા છે. ખાસ કરીને નવા વર્ષમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ચીનનાં અનેક શહેરોમાં કોરોના સંપૂર્ણ રીતે બેકાબૂ બની ગયો છે. શાંઘાઈ, બીજિંગ અને ઝેંજિયાંગમાં ૧૦ લાખ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. પરિસ્થિતિ એટલી વણસી રહી છે કે હોસ્પિટલોમાં પગ મૂકવાની જગ્યા નથી કે ન તો મેડિકલ સ્ટોરમાં દવાઓનો પૂરતો સ્ટોક છે.
ચીનમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ચીન સરકાર સતત એના આંકડાઓ છુપાવી રહી છે. ત્રણ દિવસ પહેલાં બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવાયું હતું કે આ સપ્તાહમાં ચીનમાં એક દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ૩ કરોડને પાર થઈ જશે. આ આંકડા અત્યારસુધીના સૌથી વધુ આંકડામાં ગણાશે. આગામી ત્રણ મહિનામાં ૯૦ કરોડ લોકો સંક્રમિત થાય એવી બ્લૂમબર્ગે આશંકા વ્યક્ત કરી છે. ચીનનમાં કેટલાંક શહેરોમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે ૨૦-૨૦ દિવસનું વેઈટિંગ દર્શાવાય છે. સ્મશાનગૃહોમાં મૃતદેહોની લાંબી લાઈનો જોવા મળે છે. આ ઉપરાંત મૃતકોના સ્નેહીજનોને અંતિમસંસ્કાર માટે ટોકન આપવામાં આવે છે.
ચીનમાં કોરોનાના વધતા કહેર પરથી અંદાજો લગાવી શકો છે કે આગામી દિવસોમાં સંક્રમણનો વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. આ વાતને લઈ ચીન પણ કબૂલાત કરી ચૂક્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગમાં જે પોસ્ટ લીક થઈ હતી એનો ચીનના નેશનલ હેલ્થ કમિશને ખુલાસો કર્યો છે. સરકારે ડિસેમ્બરની શરૂઆતમાં જે ઝીરો-કોવિડ પોલિસી હટાવી દીધી હતી, એને કારણે સંક્રમણ વધ્યું છે એવો ખુલાસો કરવામાં આવ્યો છે. ચીનની મોટા ભાગની હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યો છે. અનેક હોસ્પિટલમાં તબીબોની કોરોનાને કારણે મોત થઈ રહ્યું છે. ક્યાંક નર્સ અને હેલ્થ વર્કર્સ પણ સંક્રમિત હોવા છતાં દર્દીઓની સારવાર માટે ખડેપગે નજર આવે છે. જોકે પરિસ્થિતિને ધ્યાને રાખી ખુદ સરકારે પણ ડૉક્ટરોને ઑનલાઈન કન્સલ્ટેશન માટે મંજૂરી આપી છે.
મોટી સંખ્યામાં મૃતદેહોના ઢગલા કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. યુવ્કૈનિંગ શહેરના એક મીટ કોલ્ડસ્ટોરેજમાં સૌથી વધુ ૧૫ હજાર મૃતદેહો રાખવામાં આવ્યા છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકારે કેટલાંક શહેરોમાં મૃતદેહને રાખવા માટે કોલ્ડસ્ટોરેજની વ્યવસ્થા શરૂ કરાવી છે. મોટા-મોટા કન્ટેનર મગાવવામાં આવ્યા છે, જેમાં મૃતદેહોને રાખવામાં આવે છે. આ દર્દનાક તસવીરો ચીનની તાજેતરની હાલત દર્શાવે છે. કોરોનાના કહેરથી દરરોજ ૮ હજાર લોકોનાં મૃત્યુ થાય છે. ૨૫ ડિસેમ્બરના ૨૪ કલાકમાં ૧૬ હજારથી વધુ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. માત્ર બીજિંગમાં ૮ હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આ પહેલાં ૨૧ ડિસેમ્બરે સૌથી વધુ ૧૦ હજાર ૭૦૦ લોકોનાં મોત બીજિંગમાં થયાં હતાં.