અમદાવાદ,
ચીનમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટના સબવેરિએન્ટ બીએફ.૭નો હાહાકાર છે ત્યારે આ સબવેરિએન્ટના બે ટેસ્ટ ગુજરાતમાં પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. એક કેસ અમદાવાદમાં અને બીજો વડોદરામાં નોંધાયો હતો. જો કે એકપણ દર્દીને ગંભીર તકલીફ થઇ ન હતી.રાજ્યના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે પોઝીટીવ કેસોના જીનોમ સિકવન્સીંગ વખતે બીએફ.૭ સબવેરિએન્ટના બે કેસો માલુમ પડ્યા હતા.
એક કેસ તાજેતરનો જ છે જ્યારે એક કેસ જૂનો છે. બંનેમાંથી કોઇપણ દર્દીને ગંભીર લક્ષણો માલુમ પડ્યા ન હતા. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે થયેલા જીનોમ સીકવન્સીંગના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં એક્સબીબી અને તેના વેરિએન્ટ એક્સબીબી.૧ અને એક્સબીબી.૨ પણ પ્રવર્તે છે. આ સિવાય બીએફ વેરિએન્ટના કેસો પણ માલુમ પડ્યા છે.
બીએફ.૫, બીએફ.૩, બીએફ.૨૩, બીએફ.૧૦ વગેરે સબવેરિએન્ટ પણ માલુમ પડ્યા છે. આ ઉપરાંત સીએ.૩, બીએ.૨.૭૫, બીએન.૧.૫ વગેરેના કેસો પણ નોંધાયા હતા. ગુજરાતમાં કુલ કેસોમાંથી ૬૦ ટકા કેસ એક્સબીબી વેરિએન્ટના હતા. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઓમિક્રોનના સબવેરિએન્ટ તબીબી ધોરણે ખાસ અલગ નથી.