બીજીંગ,
ચીનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના પ્રકોપના કારણે સ્થિતિ દયનીય બનેલી છે. હોસ્પિટલોની સાથે સાથે કબ્રસ્તાનોમાં પણ લાશ દફનાવવા માટે લોકોની લાઈન લાગેલી છે અને મોટાભાગના કબ્રસ્તાન ભરાઈ ગયા છે. આવામાં લોકો મૃતદેહોના અંતિમ સંસ્કાર રસ્તાઓ પર કરી રહ્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા દિવસોમાં બે મિલિયનથી વધુ મોત થઈ શકે છે. ચીનમાં કોરોનાના નવા સબ વેરિએન્ટે ઉત્પાત મચાવ્યો છે. જનતાની સાથે સાથે ડોક્ટરો પણ પરેશાન થઈ ગયા છે. ચીનના અનેક ભાગોમાંથી એવી તસવીરો સામે આવી છે જેને જોઈને હચમચી જશો.
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ સતત વધી રહેલા મોતની સંખ્યા વચ્ચે અંતિમ સંસ્કારના ખર્ચમાં વધારો થવાના કારણે લોકોએ રસ્તા પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. બ્લૂમબર્ગ સમાચાર મુજબ વેઈબો (ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) પર પોસ્ટ કરાયેલા એક સ્ક્રીનશોટમાં એક રહીશે પોતાના પાડોશીનો ટેક્સ્ટ મેસેજ શેર કર્યો છે. જેમાં પડોશીએ પોતાના મિત્રને જણાવ્યું છે કે અંતિમ સંસ્કારના ખર્ચામાં વધારો થવાના કારણે તેણે મજબૂરીમાં પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ખુલ્લી જગ્યા શોધવી પડી.
એક વિશેષજ્ઞે એવો દાવો કર્યો છે કે ચીનમાં કેસમાં ભારે વધારા વચ્ચે શાંઘાઈમાં ૭૦ ટકાથી વધુ વસ્તી પહેલેથી જ કોવિડથી સંક્રમિત છે. ગત મહિને કઠોર ઝીરો કોવિડ પોલીસીમાં ઢીલ અપાયા બાદ ચીનમાં કોવિડ કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. લંડન સ્થિત એનાલિટિક્સ ફર્મ એરફિનિટીના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ડિસેમ્બરના પહેલા ૨૦ દિવસમાં ચીનમાં ૨૫૦ મિલિયનથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા હતા.
યુરોપીયન સંઘ (ઈયુ)ના સભ્ય દેશ ચીનમાં ઉત્પન્ન કોવિડ-૧૯ સંકટને પહોંચી વળવા માટે બુધવારે સમન્વિત પ્રયાસને ધાર આપી રહ્યા છે અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે. જે ચીન અને વૈશ્ર્વિક ઉડ્ડયન ઉદ્યોગ બંનેને અસહજ કરશે. ચીન પહેલેથી જ કેટલાક યુરોપીયન સંઘ દ્વારા લગાવવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોને ફગાવી ચૂક્યું છે અને તેણે ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં આ ચલણ વધ્યું તો ‘જવાબી પગલું’ ભરવામાં આવશે.