ચીનમાં ૨૨ વર્ષીય ભારતીય મેડિકલ સ્ટુડન્ટનું મોત; કોરોનાથી ડરીને ચીની નાગરિકની આત્મહત્યા

બીજીંગ,

કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દરમિયાન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યર્ક્તા જેનિફર ઝેંગે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગની છત પરથી આત્મહત્યા કરતી જોઈ શકાય છે. ઝેંગનો દાવો છે કે ચીનમાં લોકો કોરોનાથી ડરીને આત્મહત્યા કરી રહ્યા છે.

તામિલનાડુના રહેવાસી અબ્દુલ શેખનું ચીનમાં મૃત્યુ થયું છે. તેની ઉંમર ૨૨ વર્ષની હતી. મૃત્યુનું કારણ કોઈ રોગ હોવાનું કહેવાય છે, જોકે રોગનું નામ સ્પષ્ટ રીતે લેવામાં આવ્યું નથી. પરિવારે અબ્દુલના મૃતદેહને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પાસે મદદ માગી છે. અબ્દુલ છેલ્લાં પાંચ વર્ષથી ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો. તે ૧૧ ડિસેમ્બરે ભારત આવ્યો હતો, પરંતુ તેની ઈન્ટર્નશિપ માટે ચીનમાં કિકિહાર પાછો ગયો હતો.સુત્રોના અનુસાર, અબ્દુલે ત્યાં ૮ દિવસનો આઈસોલેશન પિરિયડ પણ પૂરો કર્યો હતો. બીમાર પડ્યા બાદ અબ્દુલને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.

અત્યારસુધીમાં ૧૩ દેશે ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરોક્કો, ફ્રાન્સ, યુકે, સ્પેન, યુએસએ, તાઇવાન, જાપાન, ભારત, ઇટાલી, દક્ષિણ કોરિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આમાંના મોટા ભાગના દેશોમાં ચીનના પ્રવાસીઓએ કોરોનાના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવા પડશે. મોરોક્કોએ ૩જી જાન્યુઆરીથી ચીનથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેઓ કોઈપણ દેશના હોઈ શકે છે.