ચીનમાં ૧૪ માળની ઈમારતમાં ભીષણ આગ, ૧૬ લોકો ભડથું થયાં

ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગમાં આવેલા એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળતા ૧૬ ના મોત થયા હતા. માહિતી અનુસાર ૧૪ માળની ઈમારતમાં આગ લાગતા કેટલાય આંખના પલકારામાં ભડથું થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોતાનો જીવ બચાવવા કૂદકો મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી. ભીતિ છે કે આગ બધે ફેલાઈ શકે છે.

આગ ફાટી નીકળવાની માહિતી મળતાની સાથે જ ૩૦૦ ઈમરજન્સી ટીમ અને ડઝનબંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ ૩૦ લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાંધકામનું કામ ચાલું હતું, જેના કારણે સ્પાર્ક ફાટી નીકળ્યો અને પછી આગ ફાટી નીકળી.

ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે એક નિવેદનમાં બચાવ કાર્યર્ક્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ દુર્ઘટનામાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ભૂતકાળમાં પણ ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.