બેઇજિંગ,ચીન અને રશિયા વચ્ચે કંઈક બરાબર નથી.જે માહિતી સામે આવી રહી છે તે મુજબ કંઈક આવું જ હોય તેવું લાગી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલા પર સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં, ચીને યુએનના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે અને રશિયાની વિરુદ્ધમાં ગયો છે. ચાઈના ટાઈમ્સે આ વાતની પુષ્ટિ કરી છે. યુએન તરફથી આવેલા પ્રસ્તાવમાં યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વિશેષ સૈન્ય કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી હતી. આ નવી માહિતી બાદ દરેક લોકો અટકળો લગાવી રહ્યા છે કે મામલો શું છે. કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે કદાચ ચીન એક બાબતને લઈને રશિયા પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુએનમાં થયેલા વોટિંગમાં યુક્રેન વિરુદ્ધ રશિયાની આક્રમક્તાનો ઉલ્લેખ હતો.અગાઉ ૨૬ એપ્રિલે યુએન તરફથી એક પ્રસ્તાવ આવ્યો હતો. આ પ્રસ્તાવમાં યુરોપિયન કમિશન સાથે સહયોગ મજબૂત કરવાની વાત કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, ‘યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુરોપ અસાધારણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.’ આ દરખાસ્તનો મુખ્ય વિષય યુરોપિયન કમિશનમાં યોગદાનને આવકારવા અને પ્રશંસા કરવાનો હતો. આ ઠરાવના એક ફકરામાં યુક્રેનમાં રશિયાની આક્રમક્તા જણાવવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે જ્યોજયામાં પણ રશિયા તરફથી આવી જ આક્રમક્તા દર્શાવવામાં આવી હતી. આ કારણે યુરોપિયન કાઉન્સિલમાં તેનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું હતું.
યુએન અનુસાર, કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા અને રાજકીય સ્વતંત્રતા પુન:સ્થાપિત કરવા માટે, શાંતિ સુરક્ષા, માનવ અધિકાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવી જરૂરી છે. યુએનની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર મીટિંગના વીડિયોમાં વોટિંગ થયું હતું. આ મતદાન આ નિવેદનને જાળવી રાખવું જોઈએ કે નહીં તેનાથી સંબંધિત હતું. રશિયા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ૨૬ એપ્રિલે યોજાયેલા મતદાનમાં, ૮૧ લોકોએ તેની તરફેણમાં, ૧૦ વિરૂદ્ધમાં અને ૪૮ ગેરહાજર રહ્યા હતા. ગુમ થયેલા લોકોમાં ચીન પણ સામેલ હતું.
આ પછી, જ્યારે સામાન્ય સભામાં આ સમગ્ર બિલ પર મતદાન થયું, ત્યારે સમગ્ર ખેલ બદલાઈ ગયો. આ વખતે ૧૨૨ દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું, પાંચ દેશોએ તેની વિરૂદ્ધમાં મતદાન કર્યું અને ૧૮ દેશો ગેરહાજર રહ્યા. આ વખતે રશિયા અને બેલારુસે તેની વિરુદ્ધ વોટ કર્યો. જ્યારે ચીને તેની તરફેણમાં મતદાન કર્યું હતું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. ત્યારથી ચીને રશિયાની નિંદા કરી નથી. તેમજ તેણે રશિયા માટે ‘આક્રમક્તા’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. ૨૫ ફેબ્રુઆરીએ ચીને કહ્યું હતું કે યુક્રેન સંકટનો રાજકીય ઉકેલ હોવો જોઈએ. ચાઈના ટાઈમ્સ અનુસાર, યુએનમાં ચીન વતી મતદાન એ જ સમયે થયું જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી.
ચીનની ફુડાન યુનિવર્સિટીના સેન્ટર ફોર અમેરિકન સ્ટડીઝના પ્રોફેસર ઝાંગ જિઆડોંગે એક લેખ ઓનલાઈન પોસ્ટ કરીને કહ્યું કે આ વખતે ચીનનો મત “ખૂબ જ જટિલ” છે. આ મૂંઝવણભર્યું છે કારણ કે ડ્રાટ યુક્રેન વિરુદ્ધ રશિયાના ચોક્કસ લશ્કરી કાર્યવાહીને ‘આક્રમક્તા’ તરીકે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે. આવી સ્થિતિમાં, રશિયાની નિંદા કરતા યુએનના ઠરાવની તરફેણમાં મતદાન કરવાને ચીન તરફથી એક દુર્લભ પ્રતિક્રિયા ગણવી જોઈએ. તેણે કહ્યું, ‘જો તમે આ પ્રસ્તાવનો વિરોધ કરશો તો તમને યુરોપ સાથે મુશ્કેલી થશે. કદાચ આ જ કારણ છે કે ચીન, ભારત અને બ્રાઝિલે તેની તરફેણમાં મતદાન કર્યું હતું.