બીજીંગ, યુક્રેન અને રશિયા વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે પણ દુનિયાને મુશ્કેલીમાં મૂકી દીધી છે અને હવે ચીન ત્રીજો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. ચીને તાઈવાનને ૪૩ લશ્કરી વિમાન અને ૭ જહાજ મોકલ્યા છે. તાઈવાનનું કહેવું છે કે ડ્રેગન તેના પર દબાણ લાવવા માટે આવું કરી રહ્યો છે, પરંતુ તે ઝૂકશે નહીં.
તાઈવાનનું કહેવું છે કે ચીનના ૩૭ વિમાન તાઈવાનની ખાડીની સરહદ પાર કરી ચૂક્યા છે. સાથે જ ચીનનું કહેવું છે કે તે આ મર્યાદાને સ્વીકારતું નથી. હકીક્તમાં, ચીન વારંવાર દાવો કરે છે કે તાઈવાન વન ચાઈના નીતિ હેઠળ તેનો ભાગ છે. તાઇવાન પોતાને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર માને છે.
હાલમાં જ અમેરિકા અને બ્રિટનના ટોચના પ્રધાનોએ તાઈવાનની મુલાકાત લીધી હતી, જેના કારણે ચીન નારાજ થઈ ગયું હતું. આટલું જ નહીં, જ્યારે અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી ત્યારે ચીને પણ વિમાન ઉડાવ્યું હતું. હાલમાં, તાઇવાન ચીનની કાર્યવાહી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેણે જેટ ફાઈટર્સને પણ સક્રિય કર્યા છે. બોર્ડર પર જહાજો મોકલવામાં આવ્યા છે. આ સિવાય મિસાઈલ સિસ્ટમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે જેથી કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપી શકાય.
ચીન અવારનવાર લશ્કરી કવાયત કરે છે અને તાઈવાનની સરહદે યુદ્ધ વિમાન ઉડાવે છે. ઘણી વખત ચીનના ફાઈટર પ્લેન પણ તેની એરસ્પેસમાં ઘૂસી ગયા છે. નિષ્ણાતોનું માનવું છે કે તે તાઈવાન પર દબાણ લાવવા માટે આવું કરી રહ્યો છે. હાલમાં જ ચીની સેનાના સેકન્ડ રેક્ધિંગ ઓફિસર જનરલ ઝાંગ યાઓશિયાએ કહ્યું હતું કે જો કોઈ તાઈવાનને આપણાથી અલગ કરવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. માનવામાં આવે છે કે અમેરિકા સહિત દુનિયાના તમામ મોટા દેશો આ દિવસોમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં વ્યસ્ત છે. આ સિવાય રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ એક પડકાર બની ગયું છે. આ દરમિયાન ચીન તાઈવાન પર પોતાના અધિકારોને મજબૂત કરવામાં વ્યસ્ત છે જેથી અમેરિકા જવાબ ન આપી શકે.