બીજિંગ,દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા દેશ ચીનનો વસતી વૃદ્ધિ દર ઓછો થઈ ગયો છે. ત્યાંની રાજધાની બીજિંગ, વિશ્ર્વના સૌથી મોટા શહેરોમાંનું એક છે, જોકે તેની વસતી વિશે મોટો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર બીજિંગમાં ગયા વર્ષે વસતીમાં ઘટાડો નોંધાયો, ત્યાં હજારો લોકો ઓછા થઈ ગયા છે.
આવુ ૧૯ વર્ષોમાં પહેલીવાર થયુ છે જ્યારે ચીનની રાજધાનીમાં સ્થાયી નિવાસીઓની સંખ્યા ઘટી છે. સત્તાકીય આંકડાનો હવાલો આપતા જણાવાયુ છે કે ચીનની રાજધાની બીજિંગની સ્થાયી નિવાસીઓની વસતી ૨૦૨૧માં ૨૧.૮૮ મિલિયનથી ઘટીને ૨૦૨૨માં ૨૧.૮૪ મિલિયન થઈ ગઈ. આ દરમિયાન આ સમયગાળામાં બીજિંગમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
બીજિંગ એવુ શહેર છે, જેની દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ગણના થાય છે. અમુક વર્ષો સુધી આ વિશ્ર્વમાં પહેલા નંબરે રહ્યુ હતુ. જોકે, ચીનમાં જ્યારે કોરોનાવાયરસ ફેલાવવા લાગ્યો તો આ શહેરોમાં હજારો લોકો સપડાયા. ચીને અહીં કોરોનાથી થયેલા મોતનો આંકડો ઉજાગર કર્યો નહીં, જેની પશ્ર્ચિમી દેશોની મીડિયાએ ખૂબ ચર્ચા કરી. બીજિંગ મહિનાઓ સુધી લોકડાઉનમાં રહ્યુ હતુ અને રિપોર્ટ એ છેકે ૧૯ વર્ષોમાં પહેલીવાર ૨૦૨૨માં વસતી ઘટી છે. અમુક એક્સપર્ટ્સ આ વસતીના ઘટાડાને કોરોનાકાળમાં થયેલા મોત સાથે જોડી રહ્યા છે.
બીજિંગમાં જન્મ કરતા વધુ મોત ૨૦૦૩માં નોંધવામાં આવ્યા હતા જ્યારે આ ઘાતક ગંભીર શ્ર્વસન સિન્ડ્રોમનો પ્રકોપ દક્ષિણી ચીનમાં ફેલાઈ રહ્યો હતો અને વિશ્ર્વમાં તેણે હજારો લોકોને સંક્રમિત કર્યા હતા. સત્તાવાર રિપોર્ટમાં જ ૮૦૦૦થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા. હવે બીજિંગની વસતીમાં તાજેતરમાં જ ઘટાડાનું કારણ ભીષણ અકાળ ગણાવાઈ રહ્યુ છે. વૈશ્ર્વિક વસતી પર નજર રાખનારી સંસ્થાઓને આ વાત માનવામાં આવી રહી નથી. જાણકારોનું માનવુ છે કે કોરોનાના કારણે ચીનમાં લાખો લોકોના જીવ ગયા છે પરંતુ ચીન સરકારે પોતાના ત્યાં થયેલા મોતને ખૂબ ઓછા દર્શાવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર ચીનની રાષ્ટ્રીય વસતી પણ ગયા વર્ષે ૧૯૬૧ના ભીષણ અકાલ બાદ પહેલીવાર ઘટી છે અને યુએનના જ રિપોર્ટમાં એ સંભાવના વ્યક્ત થઈ ગઈ છેકે આ વર્ષે ભારત વસતીના મામલે ચીનને પછાડશે પછી દુનિયામાં સર્વાધિક વસતી ધરાવતો દેશ ભારત જ હશે.