નવસારી,
શિયાળાની કડકડતી ઠંડીનો લાભ તસ્કરો બરાબરનો ઉઠાવી રહ્યા છે. કાયદાનો જરાય ડર ના હોય એમ ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. સમય જોડે તસ્કરો પણ સ્માર્ટ થઈ ગયા છે. ચોરી કરવા એવા પેતરા અજમાવતા હોય છે કે પોલીસ પણ ચોંકી જાય છે. આવી જ કંઇક ઘટના નવસારીના ચીખલી શહેરમાંથી સામે આવી છે. એમાં સ્માર્ટ ચોરો નવ ઇંચની દીવાલમાં માત્ર એક ફૂટનું બાકોરું પાડીને ૨૯ લાખથી વધુના સ્માર્ટ મોબાઇલ ચોરીને રફુચક્કર થઈ ગયા છે. આ ઘટનામાં તસ્કરોએ દુકાનમાં પ્રવેશીને સીસીટીવી ઢાંકી દીધા હતા. જોકે તેઓ દુકાનમાં પ્રવેશતાં કેમરામાં કેદ થઈ ગયા છે.
ચીખલી બજારમાં ભાટિયા મોબાઈલ શોપમાં રવિવારે રાત્રે ચોરોએ યુક્તિ વાપરી દુકાન પાછળ બાકોરું પાડીને દુકાનમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાની ઓળખ છતી ન થાય એ માટે દુકાનમાં લગાવેલા સીસીટીવી ઢાંકીને ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના બનતાં ચીખલી પોલીસ સહિત અન્ય એજન્સીઓ કામે લાગી છે.
તસ્કરો મોબાઇલની દુકાનમાંથી ૨૯ લાખ ૫૧ હજારની કિંમતના ૨૧ આઈફોન, ૨૦૦ જેટલા અન્ય કંપનીના મોબાઈલ અને ગલ્લામાં મૂકેલા ૧૦ હજાર રોકડા મળી કુલ ૨૯ લાખ ૬૧ હજારનો મુદ્દામાલ ચોરીને રફુચક્કર થઇ ગયા છે. અહીં આશ્ર્ચર્યની વાત એ હતી કે. ચોરો એક નાનાઅમથા બાકોરામાંથી આટલી મોટી ચોરીને અંજામ આપી ગયા હતા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં તસ્કરો દુકાનમાં પ્રવેશતા નજરે પડે છે અને તરત જ તેઓ સીસીટીવી ને પણ ઢાંકી દેતાં કેમેરામાં કેદ થાય છે. તસ્કરોએ માર્કેટમાં જેની સારી વેલ્યુ આવે એવા એપલ, સેમસંગ નોકિયા. વિવો, ઓપ્પો, રિયલ મી, નવ પ્લસ, સ્માર્ટ વોચ, બ્લૂટુથ, એક્સેસરીઝ, ટેબ્લેટ સહિતનાં મોંઘાદાટ સાધનોની ચોરી કરી હતી. આ તમામ ગેજેટ્સની કિંમત બ્લેક માર્કેટમાં સારી મળે છે, એટલે લેટેસ્ટ અને ટોપ કેટેગરીના મોબાઈલ પર હાથ જ માર્યો છે.આ ઘટના અંગે નવસારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ આ ચોરોને ઝડપવા કામે લાગી છે. સ્માર્ટ તસ્કરોને ઝડપવા પોલીસે ત્રણ ટીમ બનાવી છે અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.