- દાહોદ જીલ્લાની પ્રાયોજના વહીવટદાર કચેરીના તત્કાલીન સમયના અધિકારી બીડી નિનામાની ધરપકડ બાદ દાહોદ જીલ્લા રાજકારણમાં ભૂકંપ સાથે ધરપકડની ચર્ચાઓ વચ્ચે રાજકારણીઓમાં ફેલાયો ?
- છોટાઉદેપુર તેમજ દાહોદ જીલ્લામાંથી આવનાર દિવસોમાં શું મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે ?
છોટાઉદેપુર,છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડનો રેલો દાહોદ જીલ્લામાં આવ્યા બાદ એક પછી એક આ કૌભાંડમાં સામેલ આરોપીઓ પોલીસના શકનિયામાં આવી રહ્યા છે. ત્યારે આ કોઈ નાનું કૌભાંડ નથી. કારણ કે, 18 કરોડ ઉપરાંતના આ કૌભાંડમાં અનેક મોટા અધિકારીઓની સાથે સાથે રાજકારણીઓ પણ સંકળાયેલા હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં છોટાઉદેપુર તેમજ દાહોદ જીલ્લાના મોટા ગજાના રાજકારણીઓ પણ આ કૌભાંડમાં બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવા સમયે આ નકલી કચેરી કૌભાંડમાં રાજકારણી ચેહરાઓ આરોપીઓ તરીકે પકડાશે તો ચૂંટણી સમયે કેવા પ્રકારનો માહોલ સર્જાશે ? તે કેવું અત્યારે પ્રમાણિત નથી, પરંતુ અગર જો રાજકારણી ચેહરાઓ આ નકલી કચેરી કૌભાંડમાં બહાર આવે તો ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે આ એક મસ મોટું કૌભાંડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય તેમ કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડનો રેલો દાહોદ જીલ્લામાં આવ્યા બાદ દાહોદના વહીવટદાર કચેરીના તત્કાલીન કર્મચારી બીડી નિનામા, દાહોદ જીલ્લા પંચાયત નાની સિંચાઈના કાર્યપાલક ઇજનેર ઈશ્ર્વર કોલજા અને ત્યારબાદ આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ગણાતો આરોપી એવો અબુબકરનો ભાઈ એઝાજ સૈયદ તથા તેનો ભાણેજ ડોક્ટર સેફ અલી સૈયદ તેમજ દાહોદ પ્રાઇવેટના વહીવટદાર કચેરીના પાંચ મળતીયાઓ તેમજ ગતરોજ નર્સોતમ પરમાર સહિત 11 થી વધુ આરોપીઓની પોલીસે અટકાયત કર્યા બાદ જાણે લોકસભાની ચૂંટણી ટાણે છોટાઉદયપુર તેમજ દાહોદ જીલ્લાના રાજકારણીઓમાં ભૂકંપ સર્જાયો હોવાની ચર્ચાઓએ બહારે જોર પકડ્યું છે. કારણ કે, અહીં પ્રશ્ર્ન એ ઉદભવી રહ્યો છે કે પ્રાયોજના વહીવટદાર કચેરીની તમામ ગ્રાન્ટો માંથી સાંસદની મંજૂરી વગર એક પણ ટી એસ ફાઈલ મંજૂર કરવી અશક્ય છે. ત્યારે આટલા મોટા કૌભાંડમાં ખુદ સાંસદ જ અજાણ હોય શકે તેવું માની લેવું તે વાત ગળે ઉતરે તેમ નથી. કારણ કે સાંસદની મંજૂરી વગર એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શકાય તેમ નથી. ત્યારે આટલા મોટા કૌભાંડમાં ખુદ સાંસદ અજાણ હોય અને તેઓને ગંધ સુધ્યા ન આવી હોય તે માની શકાતું નથી. અત્યારે તો છોટાઉદેપુર પોલીસ તેમજ દાહોદ જીલ્લા પોલીસ ઝડપાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટ પરથી તપાસ હાથ ધરી રહી છે અને તેમાં કેટલીક મંડળીઓ પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મંડળીઓ છોટાઉદેપુરની સાથે સાથે દાહોદ જીલ્લામાં પણ સક્રિય હોવાનું કહેવાય રહ્યું છે. આ મંડળઓ થકી સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. તપાસનો વિષય એ રહ્યો કે આ મંડળીઓ કોની કોની છે અને કોના હસ્તકે સક્રિય છે ? અગર જો મંડળીઓના બેન્ક વહીવટોની તપાસ હાથ ધરવામાં આવે તો આ મંડળીઓ થકી અનેક લોકોની અને ખાસ કરીને મોટા માથાઓની ધરપકડ થઈ શકે તેમ છે.
આરોપીઓના બેન્ક ખાતાઓના સ્ટેટમેન્ટ ના આધારે પોલીસ તપાસ વેગવંતી બની…
11 થી વધુ આરોપીઓની ધરપકડ બાદ એક પછી એક આરોપીઓની કડી મેળવવા માટે છોટાઉદેપુર પોલીસ તેમજ દાહોદ જીલ્લા પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીઓના બેન્ક એકાઉન્ટોની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ પણ બેંક સ્ટેટમેન્ટોના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે આવનાર દિવસોમાં આ જ બેન્ક સ્ટેટમેન્ટોના આધારે કેટલાક મોટા માથાઓના માથે લટકતી તલવાર પણ હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ સમગ્ર મામલે પોલીસ દ્વારા કઈ પણ કાચું ન કપાય તે માટે નજર રાખવામાં આવી રહી છે અને આ સમગ્ર કેસમાં પુરાવાઓ એકત્ર કરવામાં પોલીસ રાત દિવસ એક કરી રહી છે. જાણવા મળ્યા અનુસાર આ નકલી કચેરી કૌભાંડ નો રેલો ગાંધીનગર સુધી પહોંચે તો નવાઈ પામવા જેવું નહીં અને આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાંધીનગર સુધી ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ કહેવાય રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં શું ગાંધીનગર સુધીના આરોપીઓ પણ આ કેસમાં સંડોવાયેલા હશે કે કેમ ? તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.