
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના રાત્રી દરમિયાન અને વહેલી સવારે પડેલા ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઈ જતાં જન જીવનને અસર પહોંચી છે. મેરીયા નદીમાં પાણી આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે ભારે વરસાદ ખાબક્યો હતો. જિલ્લા મથક છોટા ઉદેપુરમાં સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 55 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે પાવી જેતપુરમાં 61 મીમી વરસાદ ખાબક્યો છે. પંચામહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે પણ રાત્રે ભારે વરસાદ પડતાં મેરિયા નદી તેમજ ઢાઢર નદીમાં પુર આવ્યા હતા. મેરિયા નદીમાં પુર આવતા બોડેલીના રણભુનઘાટીથી પાટિયા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને લઇને પાટિયા પંથકના લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને 10 કિલોમીટરનો ફેરવો ફરવાનો વારો આવ્યો છે.

ઢાઢર નદીમાં પુર આવતા સંખેડાના કંટેશ્વર કાળી તલાવડી વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં અવર જવર બંધ થઈ ગઈ છે. કંટેશ્વર ગામના લોકોને સંખેડા જવા માટે 15 કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે.
નાના કોતરોમાં પાણી આવી જતા સંખેડાના કાવિઠા ગામમાં જવાના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા ગ્રામજનોને કોતરના પાણીમાં ઉતરીને ગામની બહાર જવાની ફરજ પડી રહી છે.