છોટાઉદેપુર, સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની હેલી વરસી છે.અહીં મેઘરાજાએ વહેલી સવારથી જ દે ધનાધન બેટિંગ શરૂ કરી દીધી હતી અને બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો ભારે વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં બોડેલી તાલુકામાં વહેલી સવારે ૪ વાગ્યાથી જ ધમધોકાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. અહીં ૨ કલાકમાં જ ૪ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
મેઇન બજારમાં સ્થિત અમન પાર્ક વિસ્તારમાં મેઘ રાજા મન મૂકીને વરસ્યા છે જેના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે અહીં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જાણે કે કોઇ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા.
બોડેલીમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ ખાસ વ્યવસ્થા ના હોવાથી લોકોને ચિંતા સતાવી રહી છે કે ક્યાંય વરસાદી પાણી તેમના ઘરોમાં ના ઘૂસી જાય. આ ઉપરાંત બોડેલીના દિવાન ફળિયા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાના કારણે ઘર વખરીને પણ મોટાપાયે નુક્સાન થયું છે.